નાઇજિરિયાએ META પર 22 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

અબુઆઃ નાઇજિરિયાની સરકારે મેટા (META) પર 22 કરોડ અમેરિકી ડોલરનો દંડ ફટકાર્યો છે. સરકારે મેટા પર દંડની ઘોષણા શુક્રવારે કરી હતી. સરકારે કહ્યું હતું કે એની તપાસમાં કંપનીને ફેસબુક અને વોટ્સએપથી જોડાયેલા દેશના ડેટા સંરક્ષણ અને ગ્રાહકોના અધિકારના કાનૂનોનું અનેક વાર ઉલ્લંઘન કરતાં માલૂમ પડ્યું હતું. સુરક્ષાની દ્રષ્ટિએ સરકારને મેટા ફિટ માલૂમ નહોતી પડી. નાઇજિરિયા સંઘીય પ્રતિસ્પર્ધા અને ઉપભોક્તા સંરક્ષણ પંચ (FCCPC)ના એક નિવેદનમાં એ પાંચ પ્રકારોને દર્શાવવામાં આવ્યા હતા. જેના દ્વારા મેટાએ પશ્ચિમી આફ્રિકી દેશમાં ડેટા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.

આ પ્રકારોમાં વિના અધિકાર નાઇજિરિયા લોકોનો ડેટા શેર કરવો, ઉપયોગકર્તાઓને પોતાનો ડેટાના ઉપયોગનો નિર્ધારિત અધિકારથી વંચિત કરવું અને ભેદભાવપૂર્ણ વ્યવહારની સાથે-સાથે બજાર પ્રભુત્વનો દુરુપયોગ કરવાનો સામેલ છે.

FCCPCના મુખ્ય અધિકારી અદામુ અબદુલ્લાહીએ એક નિવેદનમાં કહ્યું હતું કે રેકોર્ડ પર હાજર સાક્ષીઓથી સંતુષ્ટ થઈને અને મેટા પક્ષકારોને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાની દરેક તક અપાયા પછી પંચે હવે અંતિમ આદેશ જારી કરી દીધો છે તથા મેટા પક્ષકારો પર દંડ ફટકાર્યો છે. નાઇજિરિયન સરકારના જણાવ્યાનુસાર મેટા કંપની નાગરિકોની પ્રાઇવસી અને રાષ્ટ્રીય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી. અનેક ઉલ્લંઘનના મામલા સામે આવ્યા પછી કંપની પર આ કાર્યવાહી કરવામાં આવી છે. મેટાના પ્રવક્તાએ આ નિર્ણય પર પ્રતિક્રિયાનો હજી સુધી જવાબ નથી આવ્યો. FCCPCએ મેટા પર 22 કરોડ અમેરિકી ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે અને કંપનીને સ્થાનિક કાયદાઓનું પાલન કરવા તથા નાઇજિરિયાના ઉપભોક્તાઓનું શોષણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.