જેરુશલમ: ઈઝરાયલની પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ કહ્યું કે, તે ભ્રષ્ટાચારની કાર્યવાહીથી બચવા માટે સંસદને વિનંતી કરશે. ઈઝરાયલી એટોર્ની જનરલે ગયા નવેમ્બર મહિનામાં નેતન્યાહૂને ભ્રષ્ટાચારના ત્રણ મામલામાં આરોપી ઠેરવ્યા હતા. તેમના પર લાંચ, છેતરપીંડી અને ભરોસો તોડવાના આરોપ લાગ્યા હતાં.
સૌથી વધુ સમય સુધી ઈઝરાયલના પ્રધાનમંત્રી રહેનારા 70 વર્ષીય નેતન્યાહૂએ કહ્યું કે, હું સંસદના સ્પીકરને કાયદાકીય રીતે છૂટછાટ માટે વિનંતી કરીશ. આ વિનંતીનો હેતુ ઈઝરાયલના ભવિષ્ય માટે તમારી સેવા કરતા રહેવાનો છે. ઈઝરાયલના કાયદા અનુસાર કોઈપણ ચૂંટાયેલા નેતા કાર્યવાહીથી છૂટછાટ મેળવવા માટે સંસદને વિનંતી કરી શકે છે. ઈઝરાયલમાં આવુ પ્રથમ વખત થયું છે કે, કોઈ પદ પર રહેલા પ્રધાનમંત્રીને ભ્રષ્ટાચાર મામલે આરોપી ઠેરવવામાં આવ્યા છે.
નેતન્યાહૂને કુલ ત્રણ મામલે આરોપી ઠેરવવામાં આવ્યા છે જેમાં પ્રથમ મામલામાં તેમના પર દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની શાઉલ ઈલોવિચ પાસેથી લાંચ લેવાનો આરોપ છે. બીજામાં નેતન્યાહૂ અને તેમના પરિવાર પર ઈઝરાયલી બિઝનેસમેન અને હોલીવુડના દિગ્ગજ અર્નોન મિલચેન પાસેથી 2007 અને 2016માં મોંધીદાટ ગિફ્ટો લેવાનો આરોપ છે. જ્યારે ત્રીજા મામલે નેતન્યાહૂ પર આરોપ છે કે, તેમણે યોદિયોથ અહરોનોથ સમાચારપત્રમાં મરજીમુજબનું કવરેજ મેળવવા માટે તેમના પ્રકાશક અર્નોન મોજેસ સાથે ડીલ કરી હતી.