કાઠમાંડૂ- નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી તેમની આગામી 5 દિવસી ચીન યાત્રા દરમિયાન અનેક દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરશે. જેમાં ઊર્જા ક્ષેત્રમાં સહયોગ ઉપરાંત ચીનના તિબેટના કેરુંગથી નેપાળની રાજધાની કાઠમાંડૂને જોડતા રેલવે લાઈનના નિર્માણ અંગે પણ કરાર કરવામાં આવશે. બીજી વખત નેપાળના વડાપ્રધાન બન્યા બાદ કે.પી શર્મા ઓલીનો આ પ્રથમ ચીન પ્રવાસ છે.આપને જણાવી દઈએ કે, નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી 19 જૂનથી 24 જૂન સુધી ચીનના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન બેલ્ટ એન્ડ રોડ પહેલ અંતર્ગત ઘણા પ્રોજેક્ટ્સ અને બિજીંગની ભારત-નેપાળ-ચીન ઈકોનોમિક કોરિડોર માટેની યોજના અંગે પણ ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે.
કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળના સ્ટેન્ડિંગ કમિટિના સદસ્ય ગણેશ શાહે જણાવ્યું કે, કે.પી. શર્મા ઓલીની ચીન યાત્રા બન્ને દેશોના સંબંધોને વધુ મજબૂત કરશે. અને નેપાળ-ચીન વચ્ચે સહયોગમાં વધારો કરશે. ગણેશ શાહે વધુમાં જણાવ્યું કે, તિબેટના કેરુંગને રેલવે લાઈનથી નેપાળમાં કાઠમાંડૂ સાથે જોડવા માટે નિર્માણ માટેના MoU પર હસ્તાક્ષર પણ કરવામાં આવશે. ત્યારબાદ રેલવે લાઇનની શક્યતાનો અભ્યાસ કરવામાં આવશે. જેમાં 4 વર્ષનો સમય લાગી શકે છે.