વોર્સોઃ પોલેન્ડના સ્પોર્ટ્સ પ્રધાન કામિલ બોર્નિચૂકનો દાવો છે કે 2024માં ફ્રાન્સના પાટનગર પેરિસમાં નિર્ધારિત ઓલિમ્પિક ગેમ્સનો લગભગ 40 જેટલા દેશો બહિષ્કાર કરે એવી ધારણા છે. પેરિસ ગેમ્સને અર્થવિહોણી કરી દેવા માટે આ બહિષ્કાર કરવામાં આવી શકે છે. 33મી ઓલિમ્પિક ગેમ્સ આવતા વર્ષની 26 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે.
બોર્નિચૂકનું કહેવું છે કે આ બહિષ્કારમાં પોલેન્ડ ઉપરાંત બ્રિટન, અમેરિકા અને કેનેડા જેવા દેશો પણ જોડાઈ શકે છે. જો આટલા બધા દેશો બહિષ્કાર કરશે તો અમારું જૂથ મજબૂત બનશે અને ગેમ્સને નિરર્થક બનાવી દેશે.
બહિષ્કારની આ હિલચાલ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ની એક જાહેરાતને પગલે થઈ છે. આઈઓસીનું કહેવું છે કે પેરિસ ગેમ્સમાં રશિયા અને બેલારુસના એથ્લીટ્સને તટસ્થ ધ્વજ હેઠળ ભાગ લેવા દેવા અંગે વિચારણા ચાલી રહી છે. કોઈ પણ એથ્લીટને માત્ર એના પાસપોર્ટને કારણે ગેમ્સમાં ભાગ લેતા રોકી શકાય નહીં.
પોલેન્ડ ઉપરાંત એસ્ટોનિયા, લેટવિયા અને લિથુઆનિયાએ આઈઓસીની આ જાહેરાતને સાથે મળીને વખોડી કાઢી છે. તેઓ રશિયા અને બેલારુસને યૂક્રેન પરના આક્રમણખોર દેશ ગણે છે અને એવી દલીલ કરી છે કે આ બે દેશના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવાની પરવાનગી આપવાનો અર્થ યૂક્રેન પર રશિયાના આક્રમણને કાયદેસર બનાવવાનો થાય.