યાંગૂનઃ મ્યાન્મારના સત્તાવાળાઓએ દેશના રકાઈન રાજ્યમાં ચક્રવાત ‘મોચા’થી નુકસાન પામેલા 17 નગરોને કુદરતી આફતગ્રસ્ત ક્ષેત્ર તરીકે ઘોષિત કર્યા છે. આ સમુદ્રકાંઠે વસેલા નગરોમાં મોચા વાવાઝોડાથી ખૂબ જ નુકસાન થયું છે. આ નગરોના નામ છેઃ ક્યોફ્યૂ, મનોંગ, રેમરી, એન, સિતવે, પોક્તો, પોન્નાગીન, રાથેડોંગ, ગ્વા, તોંગૂપ, થાંડવે, મોંગતો, બુથીડોંગ, ક્યોક્તો, મિન્બ્યા, મોક-યૂ અને મ્યૂબોન.
‘મોચા’ વાવાઝોડાને કારણે આ નગરોમાં જાનહાનિ થઈ છે અને સંપત્તિને ભારે નુકસાન થયું છે. તદુપરાંત રકાઈન રાજ્યમાં પર્યાવરણને પણ નુકસાન થયું છે. આ વિસ્તારોમાં પરિસ્થિતિ રાબેતા મુજબની કરતાં ઘણો સમય લાગી જશે. ગઈ કાલે ‘મોચા’ વાવાઝોડું ત્રાટક્યું હતું ત્યારે પવન 200 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો અને અનરાધાર વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 55 વર્ષમાં એક જ દિવસમાં સૌથી વધારે વરસાદ ગઈ કાલે પડ્યો હતો.