લંડનઃ બ્રિટનના બીજા નંબરના મોટા શહેર બર્મિંઘમમાં એક સાથે અનેક લોકોને છરો ભોંકવામાં આવ્યાની રવિવારે ઘટના બની છે. પોલીસે આને સમાચારને સમર્થન આપ્યું છે અને આને ‘મોટી ઘટના’ તરીકે ઓળખાવી છે.
આ ઘટના બર્મિંઘમ સિટી સેન્ટરમાં રવિવારે મધરાત બાદ 12.30 વાગ્યે બની હતી. આ ઘટનાને આતંકવાદી હુમલા સાથે જોડવામાં આવે એવી સંભાવના છે. ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે એ હજી જાણી શકાયું નથી.
વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે એક નિવેદનમાં કહ્યું કે બર્મિંઘમ સિટી સેન્ટરમાં રવિવારે રાતે 12.30 વાગ્યે અનેક જણને છરો ભોંકવામાં આવ્યો હોવાની પોલીસને ફરિયાદ મળી હતી.
પોલીસે કહ્યું છે કે હાલને તબક્કે અમે આ વિશે કંઈ વધારે કહી શકીએ એમ નથી, કારણ કે કંઈ પણ કહેવું તે અફવાને ઉત્તેજન આપવા સમાન ગણાશે. અમે તરત જ બર્મિંઘમ સિટી સેન્ટર ખાતે પહોંચીને પ્રતિસાદ આપ્યો છે. આખી જગ્યાને કોર્ડન કરી લેવામાં આવી છે. કેટલાક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. લોકોએ શાંતિ જાળવવી અને સતર્ક રહેવું. તેમજ આ વિસ્તારથી દૂર રહેવું.