મુંબઈ – ભારતના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીએ ફોર્બ્સ મેગેઝિનની વિશ્વના અબજોપતિઓની યાદીમાં 13મો નંબર હાંસલ કર્યો છે. આ યાદીમાં એમણે છ નંબરની છલાંગ લગાવી છે.
આજે જાહેર કરાયેલી આ યાદીમાં જાણીતી ઈ-કોમર્સ કંપની એમેઝોન કંપનીના સ્થાપક જેફ બેઝોસ પહેલા નંબરે છે.
55 વર્ષીય બેઝોસ દુનિયાના નંબર-1 શ્રીમંત તરીકે યથાવત્ રહ્યા છે. એમની પછીના નંબરે આવે છે, બિલ ગેટ્સ અને વોરન બફેટ.
બેઝોસની કુલ સંપત્તિનો આંક છે 131 અબજ ડોલર.
વર્ષ 2018માં, 61 વર્ષીય અંબાણીની સંપત્તિમાં 40.1 અબજ ડોલરનો ઉછાળો આવ્યો હતો. ગયા વર્ષે એ આ યાદીમાં 19મા નંબરે હતા, પણ આ વખતે 13મા નંબરે પહોંચી ગયા છે.
અંબાણી ભારતમાં ઓઈલ અને ગેસ ક્ષેત્રની ટોચની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન છે. એમની આવક 60 અબજ ડોલર છે.
ફોર્બ્સની યાદી અનુસાર, ભારતમાં 106 અબજોપતિઓ છે અને એ બધાયમાં મુકેશ અંબાણી મોખરે છે.
આ યાદીમાં વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી (22.6 અબજ ડોલર), એચસીએલના સહ-સ્થાપક શિવ નાદર, આર્સેલરમિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલનો પણ સમાવેશ થાય છે. વિશ્વયાદીમાં, પ્રેમજી 36મા, શિવ નાદર 82 અને લક્ષ્મી મિત્તલ 91મા નંબરે છે.