કોરોના જેવા કાંઇક આવ્યા ને વગર વેક્સિને ગયાઃ ટ્રમ્પનો દાવો

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈ કાલે કહ્યું હતું કે કોરોના વાઇરસ વેક્સિન વગર જ ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે અમેરિકા મહાનતા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે આ વાતો વાઇટ હાઉસમાં પોતાની રિપબ્લિકન પાર્ટીના સંસદસભ્યોની વાતચીત દરમ્યાન કહી હતી. ટ્રમ્પનું આ નિવેદન આવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકામાં મંદી પછી બેરોજગારીનો દર સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો છે અને અત્યાર સુધી કોરોનાથી 76,000થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

વાઇરસ વગર વેક્સિને જતો રહેશે

તેમણે કહ્યું હતું કે આ વાઇરસ વગર વેક્સિને જ જતો રહેશે. એ જશે અને આપણે એને ફરી નહીં જોઈએ. તમે થોડા નારાજ થઈ શકો છો. તેમણે તો ત્યાં સુધીનો દાવો કર્યો હતો કે વિશ્વમાં આવી અનેક બીમારીઓ આવી અને વગર વેક્સિને ખતમ થઈ ગઈ. અહીં કેટલાક વાઇરસ અને ફ્લુ છે, જે આવ્યા અને જ્યારે એમના માટે વેક્સિન શોધાઈ, પણ વેક્સિન ના મળી અને એ વાઇરસ ગાયબ થઈ ગયા. એ ફરીથી નથી આવ્યા, એમ તેમણે કહ્યું હતું.

 હું માત્ર ડોક્ટરોની વાત પર વિશ્વાસ કરું છું

તેમને જ્યારે પત્રકારોએ આ દાવાનો અર્થ પૂછ્યો અને શું તેમનું એ કહેવું છે કે વેક્સિનની કોઈ જરૂર નથી? આના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે હું માત્ર ડોક્ટરોની વાત પર વિશ્વાસ કરું છું. તેઓ કહી રહ્યા છે કે આવું થવાનું છે. એનો મતલબ એ નથી કે આ વર્ષે એ જતો રહેશે, પરંતુ એ ચાલ્યો જશે. જ્યાં સુધી વેક્સિનનો સવાલ છે –તો એ આપણી પાસે હોત તો વધુ મદદગાર સાબિત થાત.

ટ્રમ્પના વિચાર કરતાં વિરુદ્ધ ડોક્ટરની સલાહ

વાઇટ હાઉસમાં કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સની જવાબદારી સંભાળી રહેલા ડોક્ટર એટર્ની ફોસીએ પાછલા સપ્તાહે કહ્યું હતુ કે જ્યાં સુધી અમારી પાસે અસરકારક વેક્સિન નથી આવતી, ત્યાં સુધી આ વાઇરસ ખતમ થવાનો નથી.