નોકરી કરવાની ઉંમરે નિવૃત થવું હોય તો માઈક અને અલાઈસને અનુસરો

નવી દિલ્હી: આજના સમયમાં યુવાઓમાં સૌથી મોટી સમસ્યા પૈસા બચાવવાની છે. દર મહિને કોઈને કોઈ ટેકનોલોજી કે નવા ફોન અનેક વસ્તુઓ લોન્ચ થાય છે અને તે ટ્રેન્ડ બની જાય છે. જેની પાછળ લોકો પૈસા ખર્ચ કરે છે અને બચત નથી કરી શકતા. જોકે એક વ્યક્તિએ ઓછી ઉંમરમાં જ પૈસાની બચત કરવાનો ઉપાય શોધી કાઢ્યો છે અને આ કારણે તે 24 વર્ષે જ નિવૃત થઈ ગયો.

ડેઈલી મેલના રિપોર્ટ મુજબ કેનેડાના ઓન્ટારિયોમાં રહેતા માઈક રોઝહાર્ટે 24 વર્ષની ઉંમરમાં જ નાણા બચાવવાની ટેકનિકથી નિવૃતિનો પ્લાન બનાવી લીધો. માઈક નાનો હતો ત્યારે તેનો પરિવાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. તે અભ્યાસમાં હોશિયાર હોવાથી તેને આગળના ભણતર માટે સ્કોલરશિપ મળી ગઈ.

માઈક જ્યારે કોલેજમાં હતો ત્યારે તે ફુલ ટાઈમ નોકરી સાથે ફુલ ટાઈમ અભ્યાસ કરતો હતો. તે સમયે તે 262 ડોલર (18,500 રૂપિયા)ના ભાડાના ઘરમાં રહેતો હતો. આ બાદ તે પોતાની પત્ની અલાઈસ સાથે અન્ય એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયો. જેનું ભાડું 455 ડોલર (32000 રૂપિયા) હતું. માઈક ક્યાંક આવવા જવા માટે કાર અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટની જગ્યાએ સાઈકલનો ઉપયોગ કરતો હતો. 19 વર્ષની ઉંમરે જ તેણે એક નાનું ઘર ખરીદવા માટે 152,000 ડોલર (1 કરોડ રૂપિયા) એકઠા કરી લીધા હતા.

ત્યારબાદ માઈક એક કન્સલ્ટન્ટ તરીકે કામ કરવા લાગ્યો. તેની વાર્ષિક સેલેરી 42,000 ડોલર (લગભગ 29 લાખ રૂપિયા) હતી અને તેની પત્ની અલાઈસ એક ગ્રાફિક ડિઝાઈનરનું કામ કરતી હતી. અલાઈસની વાર્ષિક સેલેરી 26,500 ડોલર (લગભગ 18 લાખ રૂપિયા) હતી.

બંનેએ આવી રીતે કરી બચત

બંનેએ નક્કી કર્યું કે તેઓ અલાઈસના પગારમાંથી બધો ખર્ચો કરશે અને બાકીના નાણાની બચત કરશે. થોડા મહિના બાદ બંનેએ પ્રોપર્ટી ખરીદવાનું શરૂ કરી દીધું. આ બાદ તેઓ પોતાની પ્રોપર્ટી ભાડા પર આપી અને તેનાથી આવનારા પૈસાને ઈન્વેસ્ટ કરવાનું શરૂ કરી દીધું. આમ કરીને તેમણે એટલા નાણા બચાવી લીધા કે 10 પ્રોપર્ટી ખરીદી લીધી. સાથે જ અલાઈસને ક્યારેક ક્યારેક સ્ટારબક્સ જવાનું પસંદ હતું. પરંતુ માઈકે તેને થોડો સમય માટે સ્ટાકબક્સમાં ન જવા માટે કહ્યું. બંનેએ લગ્નમાં મળેલા નાણાને પણ બચાવીને રાખ્યા. સાથે જ ક્રેડિટ કાર્ડ પર મળેલા ફ્રી પોઈન્ટ્સથી તેમને બ્રાઝિલ જવાની તક મળી. હનીમૂન માટે તેઓ ત્યાં ગયા અને નાણા બચાવવા એક મિત્રના ઘરે જ રોકાઈ ગયા.

આવી રીતે 6 વર્ષોમાં બંનેએ પોતાની બધી બચત અને ભાડા પર આપેલી પ્રોપર્ટીને વેચી નાખી. ત્યારબાદ માઈક 24 અને અલાઈસ 25 વર્ષની ઉંમરે નિવૃત થઈ ગયા. બંનેએ અત્યાર સુધીમાં 7,60,000 ડોલર (લગભગ 5.38 કરોડ રૂપિયા) બચાવી લીધા. માઈકે જણાવ્યું કે તેને બાળકો જોઈએ છે આથી તે જલ્દી નિવૃત થવા ઈચ્છે છે, કારણ કે બાળકોની સાથે જવાબદારી આવે છે અને તેમને વધારે સમય આપવો પડે છે.

માઈકે કહ્યું કે, અલાઈસને બાળકો જોઈતા હતા એટલા માટે મેં તેને કહ્યું હતું કે, જો આપણે ઓછા સમયમા ઘણા બધા નાણા બચાવી લેશું તો જલ્દી નિવૃત થઈ શકીશું અને બાળકોને સમય પણ આપી શકશું. હવે માઈક પોતાની યૂટ્યૂબ ચેનલા ચલાવે છે અને લોકોને નાણા બચત કરવાની ટિપ્સ આપે છે.