ગયા વર્ષે 5 ઓગસ્ટ, 2024ના રોજ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો અંત આવ્યો, જેના પછી નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડા બનાવાયા. જોકે, ચૂંટણીઓ યોજવાના વચન હોવા છતાં, 2025 સુધી ચૂંટણીઓ ન થતાં દેશમાં રાજકીય અને સામાજિક અસંતોષ વધ્યો છે. વિદ્યાર્થીઓના વિરોધ અને સૈન્યની ભૂમિકાએ યુનુસ સરકાર પર દબાણ વધાર્યું છે, જે દેશને નવા રાજકીય સંકટ તરફ દોરી રહ્યું છે. આ ઘટનાઓએ બાંગ્લાદેશના ભવિષ્ય અને લોકશાહી પુનઃસ્થાપના પર પ્રશ્નો ઉભા કર્યા છે.
5 ઓગસ્ટ, 2024ના રોજ, વિદ્યાર્થી આંદોલનો અને હિંસાના કારણે શેખ હસીનાને રાજીનામું આપવા દબાણ કરવામાં આવ્યું. ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલના વકીલ મોહમ્મદ તાજુલ ઇસ્લામે જણાવ્યું કે, સૈન્ય અધિકારીઓએ હસીનાને રાજીનામું આપવા કહ્યું ત્યારે તેમણે કહ્યું, “મને ગોળી મારીને બંગભવનમાં દફનાવી દો.” આ પછી તેમણે ભારતમાં આશરો લીધો. યુનુસની વચગાળાની સરકારે ચૂંટણીનું વચન આપ્યું, પરંતુ વિલંબથી વિદ્યાર્થીઓ અને રાજકીય પક્ષોમાં ગુસ્સો વધ્યો. સૈન્યએ શાંતિ જાળવવા મોરચો સંભાળ્યો, પરંતુ ચૂંટણીની માંગ સતત વધી રહી છે.
બાંગ્લાદેશમાં સૈન્ય પ્રમુખ જનરલ વાકર-ઉઝ-ઝમાને ડિસેમ્બર 2025 સુધીમાં ચૂંટણી યોજવાની હાકલ કરી, ચેતવણી આપી કે વિલંબથી દેશની સુરક્ષા જોખમાઈ શકે છે. 21 મે, 2025ની ઢાકાની કટોકટી બેઠકમાં પાંચ લેફ્ટનન્ટ જનરલ, આઠ મેજર જનરલ અને અન્ય અધિકારીઓએ ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા કરી. વિદ્યાર્થીઓની જાતીય નાગરિક પાર્ટી (NCP) સુધારાઓની માંગ કરે છે, જ્યારે BNP ચૂંટણીની તરફેણ કરે છે. યુનુસે રાજીનામાની ધમકી આપી, કારણ કે રાજકીય પક્ષો સુધારાઓમાં સહકાર નથી આપતા. 9.94% ફુગાવો અને 44.38 અબજ ડોલરનું દેવું પરિસ્થિતિને વધુ જટિલ બનાવે છે. હસીના સામે હત્યા અને ભ્રષ્ટાચારની તપાસ ચાલુ છે, જે ભારત-બાંગ્લાદેશ સંબંધોને પણ અસર કરે છે.
