ન્યૂયોર્ક – ચીને ફરી એક વાર ભારત વિરુદ્ધ વલણ અપનાવ્યું છે. જમ્મુ-કશ્મીર મુદ્દે પાકિસ્તાનનો પક્ષ લઈને ચીને ચાલાકી કરીને ફરી એક વાર ભારતને ભડકાવવાનો પ્રયત્ન કર્યો છે.
કશ્મીરમાં 370મી કલમને રદ કરવાના ભારત સરકારના નિર્ણય પર આજે સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષમાં આજે ચર્ચા થવાની છે. પરંતુ આ ચર્ચા ખુલ્લા સત્રમાં નહીં, પરંતુ બંધબારણે કરવામાં આવશે.
પાકિસ્તાને આપેલા એક પત્રને પગલે ચીને કરેલા આગ્રહને માન આપીને UN સુરક્ષા પરિષદના સભ્ય દેશોનાં પ્રતિનિધિઓએ આ બેઠક યોજવાનું નક્કી કર્યું છે.
આ બેઠક યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC)માં આજે, 16 ઓગસ્ટના શુક્રવારે સ્થાનિક સમય મુજબ સવારે 10 વાગ્યે (ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે) યોજવાનું નક્કી કરાયું છે.
UNSCનું પ્રમુખપદ હાલ પોલેન્ડ પાસે છે. આ ગુપ્ત બેઠક યોજવાનો નિર્ણય લેવાયો હોવાના સમાચારને પોલેન્ડના દૂતાવાસે સમર્થન આપ્યું છે.
કશ્મીર મુદ્દે વિશિષ્ટ રીતે ચર્ચા કરવા માટે સુરક્ષા પરિષદે બેઠક બોલાવી હોય એવું ભાગ્યે જ બન્યું છે. છેલ્લે 1965માં સંપૂર્ણ યૂએન સુરક્ષા પરિષદે બેઠક યોજી હતી.
ભારતે દુનિયાના દેશોને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે જમ્મુ-કશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની 370મી કલમને નાબૂદ કરવાનો એનો નિર્ણય દેશની આંતરિક બાબત છે અને પાકિસ્તાને એ વાસ્તવિક્તાનો સ્વીકાર કરી લેવો જોઈએ.