બાઇકિંગ ક્વીન્સે બાર્સેલોનામાં ભારતીય સમુદાય સાથે 73મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી

બાર્સેલોના (સ્પેન) – 16 ઓગસ્ટ, 2019: વિશ્વભરમાં પ્રખ્યાત થયેલી સુરતની બાઇકિંગ ક્વીન્સે સ્પેનના બાર્સેલોના શહેરમાં પહોંચીને પાટનગર મેડ્રિડ શહેરસ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીઓ અને ભારતીય સમુદાયના લોકો સાથે મળીને ભારતના 73મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી હતી.

જર્મની, ઓસ્ટ્રિયા, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ્સ અને બેલ્જિયમનો પ્રવાસ પૂરો કર્યાં બાદ 14 ઓગસ્ટની સાંજે બાઇકિંગ ક્વીન્સ યુરોપના એક અન્ય દેશ સ્પેનનાં બાર્સેલોના પહોંચી હતી. 15 ઓગસ્ટ, 2019ના રોજ બાઇકિંગ ક્વીન્સે સવારે ધ્વજવંદન કર્યું હતું તથા સાંજે 7 વાગ્યે ઇન્ડિયન કલ્ચર સેન્ટર દ્વારા આયોજિત ભવ્ય ઉજવણી કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. એ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને બાઇકિંગ ક્વીન્સની સાથે ભારતના 73મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી હતી. આ ઉપરાંત ભારતીય સમુદાય દ્વારા વિવિધ પર્ફોર્મન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

વિઝા એન્ડ કમ્યુનિટી અફેર્સના સેકન્ડ સેક્રેટરી મનોજ કપૂર તથા સ્પેનના મેડ્રિડ ખાતે ભારતીય દૂતાવાસમાં ઓફિસર ફોર કલ્ચર જિવા મારિયા જોય સ્વતંત્રતા દિવસની ઉજવણી સમારોહમાં જોડાયા હતાં. આ અંગે બાઇકિંગ ક્વિન્સનાં સ્થાપક ડો. સારિકા મહેતાએ જણાવ્યું હતું કે, ‘બાર્સેલોનામાં ભારતના 73મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવી અમારા માટે ગર્વની બાબત છે. કટાલ્યુનાર અને ઇન્ડિયન કલ્ચર સેન્ટર દ્વારા આ ઉજવણી માટે આમંત્રિત કરાતા અમે સન્માન અનુભવીએ છીએ. ભારતથી હજારો કિલોમીટર દૂર રહીને માતૃભૂમિ પ્રત્યે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો તેનાથી વિશિષ્ટ લાગણીનો અનુભવ થયો છે. આ ઉજવણી અમારા હ્રદયમાં વિશેષ સ્થાન હાંસલ કરશે તથા દેશ માટે કંઇક વિશેષ કરવા માટે અમને પ્રોત્સાહન મળ્યું છે.’

મહત્વપૂર્ણ છે કે ‘બાઇકિંગ ક્વીન્સ રાઈડ ફોર વુમન્સ પ્રાઇડ’ અને ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’નો સંદેશ ફેલાવવા માટે 3 ખંડના 25 દેશોના પ્રવાસે છે. અત્યાર સુધીમાં બાઇકિંગ ક્વિન્સે લગભગ 20,000 કિમીની મુસાફરી કરી છે, જેમાં તેમણે રશિયાના મોસ્કોમાં દસ્તાવેજોની ચોરી તથા નેધરલેન્ડ્સમાં તેમની કેટીએમ બાઇકની ચોરી જેવી સમસ્યાઓનો સામનો કર્યો છે. જોકે, બાઇકિંગ ક્વીન્સે ફ્રાન્સમાંથી બાઇક ભાડે લઇને મકક્મ જુસ્સા સાથે પોતાનું મિશન આગળ ધપાવ્યું છે.

બાઈકિંગ ક્વીન્સનાં આ અનોખા સાહસ સાથે ‘ચિત્રલેખા’ મેગેઝિન મિડિયા પાર્ટનર તરીકે જોડાયું છે એટલે એમની આ અનોખી સફરનાં પ્રત્યેક તબક્કાની લેટેસ્ટ માહિતી પ્રિન્ટ તેમજ ડિજિટલ ‘ચિત્રલેખા’ આપતું રહેશે.