ટોક્યો- નોર્થ કોરિયાનું વલણ સમગ્ર વિશ્વ અને વિશેષ કરીને તેના પાડોશી દેશો માટે સતત જોખમી પુરવાર થઈ રહ્યું છે. જેના લીધે નોર્થ કોરિયાના પાડોશી દેશો પોતાને સતત અપગ્રેડ કરી રહ્યાં છે. નોર્થ કોરિયાના પાડોશી દેશ જાપાને પણ આગામી નાણાકીય વર્ષ માટે તેના ડીફેન્સ બજેટમાં વધારો કરવાનું નક્કી કર્યું છે. જાપાને તેના વર્તમાન ડિફેન્સ બજેટમાં વધારો કરી તેને 46 અબજ ડોલર કરવાનું નક્કી કર્યું છે. નોર્થ કોરિયા તરફથી વધી રહેલાં ખતરાને જોતાં જાપાને મિસાઈલ વિરોધી સુરક્ષા કવચ વધુ મજબૂત કરવાનું નક્કી કર્યું છે. આ અંગે માહિતી આપતા જાપાન સરકારે જણાવ્યું કે, આ ડિફ્ન્સ બજેટ આગામી નાણાકીય વર્ષથી શરુ થતા કુલ બજેટનો જ એક ભાગ હશે. જાપાનનું આગામી વર્ષનું કુલ રાષ્ટ્રીય બજેટ 860 અબજ ડોલર રહેવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે, જાપાનના રાષ્ટ્રીય બજેટમાં સતત છઠ્ઠા વર્ષે પણ વધારો કરવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે, આ વર્ષે ઉત્તર કોરિયાએ જાપાન સાગરમાં બે મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. જેને લઈને પોતાના બચાવમાં જાપાને મિસાઈલ ઈન્ટરસેપ્ટર સિસ્ટમ ગોઠવવાનું નક્કી કર્યું છે. ડિફેન્સ બજેટમાં કરવામાં આવેલા વધારાનો ઉપયોગ મિસાઈલ ઈન્ટરસેપ્ટર સિસ્ટમ લગાવવા માટે કરવામાં આવશે.
જાપાનના રક્ષાપ્રધાન ઈત્સુનોરીએ આ મહિનાની શરુઆતમાં જણાવ્યું હતું કે, આ એવો સમય છે જ્યારે નોર્થ કોરિયા તેની મિસાઈલ ક્ષમતામાં સતત વધારો કરી રહ્યું છે ત્યારે જાપાને પણ પોતાની સુરક્ષા મજબૂત કરવા માટે વિચારવું પડશે. આપને જણાવી દઈએ કે, અમેરિકન કંપની પાસેથી 900 કિમીની મારક ક્ષમતા ધરાવતી મિસાઈલ ખરીદવાની પણ જાપાનની યોજના છે.