ન્યૂઝીલેન્ડ PM પદેથી રાજીનામું આપશે જેસિકા આર્ડર્ન

ઓકલેન્ડઃ 42 વર્ષીય જેસિકા આર્ડર્ને વડા પ્રધાન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરીને ન્યૂઝીલેન્ડની જનતાને ચોંકાવી દીધી છે. એમણે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે પોતે મોડામાં મોડું ફેબ્રુઆરીના આરંભમાં પદ પરથી રાજીનામું આપશે અને ફરીથી ચૂંટણી નહીં લડે.

પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતાં તેઓ ભાવુક થઈ ગયાં હતાં. એમણે કહ્યું કે વડા પ્રધાન તરીકે સાડા પાંચ વર્ષની કામગીરી બજાવવાનું એમને માટે ભારે કઠિન રહ્યું છે. પોતે પણ એક માનવી છે અને હવે એમને રાજીનામું આપી દેવાની જરૂર છે. ‘આ કામગીરી કઠિન એટલે હું રાજીનામું આપતી નથી, પરંતુ મને લાગે છે કે બીજાં લોકો મારી કરતાં વધારે સારી રીતે કામગીરી બજાવી શકશે.’

શાસક ન્યૂઝીલેન્ડ લેબર પાર્ટી આર્ડર્નનાં અનુગામીની પસંદગી કરવા આવતા રવિવારે બેઠક કરશે. તે નેતા દેશમાં નવી સામાન્ય ચૂંટણી યોજાય ત્યાં સુધી વડા પ્રધાન પદ સંભાળશે. ચૂંટણી 14 ઓક્ટોબરે નિર્ધારિત છે. નાયબ વડા પ્રધાન ગ્રાન્ટ રોબર્ટસને જાહેરાત કરી છે કે પોતે વડા પ્રધાન બનવા માગતા નથી.

આર્ડર્ને ન્યૂઝીલેન્ડમાં કોવિડ-19નો રોગચાળો ફેલાતો રોકવા લીધેલાં પગલાંની પ્રશંસા થઈ છે. પરંતુ, દેશમાં છેલ્લા એક વર્ષમાં વધી ગયેલી મોંઘવારીને કારણે એમની લોકપ્રિયતા ઘટી ગઈ છે.