જેરુસલેમ- ઈઝરાયલના પીએમ બેન્જામીન નેતન્યાહૂ આગામી 14 જાન્યુઆરીના રોજ ભારત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ ભારતની આ મુલાકાત દરમિયાન તેમના મિત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તો મુલાકાત કરશે જ, સાથે પીએમ મોદીને તેઓ એક ‘વિશેષ ગિફ્ટ’ પણ આપશે. સૂત્રોનું માનીએ તો ઈઝરાયલના પીએમ ભારતીય પીએમને ખારા પાણીને શુદ્ધ અને પીવાલાયક બનાવવાની ગલ-મોબાઈલ જીપ ગિફ્ટમાં આપશે.
આપને જણાવી દઈએ કે, ગત વર્ષે જુલાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઈઝરાયલ પ્રવાસ દરમિયાન પીએમ બેન્જામીન નેતન્યાહૂ સાથે આ જીપમાં બેસીને ભૂમધ્ય સાગરના તટ પર લટાર મારી હતી અને ખારા પાણીને શુદ્ધ અને પીવા લાયક બનાવવાની ઘટના પણ નિહાળી હતી.
સૂત્રોનું માનીઓ તો ઈઝરાયલના પીએમ હવે આ જીપ પીએમ મોદીને ગિફ્ટમાં આપશે. એક તરફ નેતન્યાહૂ તેમના ભારત પ્રવાસની તૈયારી કરી રહ્યાં છે, તો એવા સમાચાર પણ મળી રહ્યાં છે કે, પીએમ મોદીને ગિફ્ટમાં આપવાની જીપ ભારત આવવા રવાના થઈ ચૂકી છે. અને ઈઝરાયલના પીએમ ભારત આવશે એ પહેલાં આ જીપ ભારત પહોંચી જશે. આ જીપની કીંમત 3.9 લાખ શેકેલ એટલે ભારતીય ચલણ પ્રમાણે આશરે 70 લાખ રુપિયા જેટલી થાય છે.