બગદાદ – અમેરિકાના હવાઈ દળે આજે વહેલી સવારે ઈરાકના પાટનગર બગદાદના એરપોર્ટ પર કરેલા હવાઈ હુમલામાં ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડર કાસીમ સુલેમાની અને ઈરાકના હાશીદ અલ-શાબી લશ્કરી દળના નાયબ વડા અબુ માહદી અલ-મુહન્ડીસનું મોત થયું છે.
કાસીમ સુલેમાની કુદ્સ ફોર્સ સંગઠનના વડા પણ હતા. હાશીદ ઉગ્રવાદી સંગઠનને ઈરાનનું લશ્કર સહાયતા કરે છે.
આ બંને જણ બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ રોડ પર એમની કારને ટાર્ગેટ બનાવીને અમેરિકાએ કરેલા હવાઈ હુમલામાં માર્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે બગદાદમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ, 31 ડિસેંબરે ઈરાન સમર્થિત ઉગ્રવાદીઓએ અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યો હતો અને અમેરિકાએ એના જવાબમાં સુલેમાની તથા અન્ય ઉગ્રવાદીને ટાર્ગેટ બનાવીને ખતમ કરી નાખ્યા છે.
આ જાણકારી હાશીદ સંગઠને એક નિવેદન દ્વારા આપી છે.
સુરક્ષા દળોએ કહ્યું કે ગુરુવારે મધરાત બાદ બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અનેક મિસાઈલોનો મારો કરવામાં આવ્યો હતો. અમેરિકી રોકેટ્સે હાશીદના એક કાફલાને ટાર્ગેટ બનાવ્યો હતો. એ હુમલામાં અમુક મહત્ત્વના વ્યક્તિઓ સહિત આઠ જણ માર્યા ગયા છે.
હાશીદ સંગઠનને પોપ્યૂલર મોબીલાઈઝેશન ફોર્સીસ (PMF) તરીકે પણ ઓળખવામાં આવે છે.
સુલેમાની અને મુહાન્ડીસના મોતને કારણે મધ્યપૂર્વ વિસ્તારમાં મોટા પાયે અશાંતિ ઊભી થવાની સંભાવના સર્જાઈ છે. ઈરાન તથા એના લશ્કરી દળો આનો બદલો ઈઝરાયલ અને અમેરિકી મથકો પર હુમલો કરીને લે એવી સંભાવના છે.
બગદાદ એરપોર્ટ પર કરાયેલા હુમલા માટે પીએમએફ સંગઠને અમેરિકાને જવાબદાર ગણાવ્યું છે.
આ હુમલા બાદ અમેરિકા તથા ઈરાનની સરકારો તરફથી કોઈ તત્કાળ કમેન્ટ બહાર પાડવામાં આવી નથી.
