વોશિંગ્ટનઃ મલ્ટીનેશનલ ટેક્નોલોજી કંપની માઈક્રોસોફ્ટ તરફથી જણાવવામાં આવ્યું છે કે તેનું ઘણા સમય જૂનું બ્રાઉઝર ‘ઈન્ટરનેટ એક્સપ્લોરર’ આવતા વર્ષની 15 જૂને નિવૃત્ત થશે. ઈન્ટરનેટ યૂઝર્સ (નેટીઝન્સ)ની 25 વર્ષ સુધી સેવા બજાવ્યા બાદ ‘ઈન્ટરનેટ એક્સપ્લોરર’ નિવૃત્તિ લેશે. આ વેબ બ્રાઉઝરને માઈક્રોસોફ્ટ દ્વારા 1995માં વિન્ડોઝ 95 સિસ્ટમ સાથે રિલીઝ કરવામાં આવ્યું હતું.
કંપનીએ એક બ્લોગમાં જણાવ્યું છે કે ‘ડેસ્કટોપ એપ્લિકેશન ઈન્ટરનેટ એક્સપ્લોરર 11 2022ની 15 જૂને નિવૃત્ત થશે અને વિન્ડોઝ-10ના ચોક્કસ વર્ઝન માટે એ આઉટ-ઓફ-સપોર્ટ થશે.’ એક સમય એવો હતો જ્યારે ‘ઈન્ટરનેટ એક્સપ્લોરર’ વ્યાપક રીતે વપરાતું વેબ બ્રાઉઝર હતું. 2003 સુધીમાં તો દુનિયાભરમાં 95 ટકા લોકો ‘ઈન્ટરનેટ એક્સપ્લોરર’નો ઉપયોગ કરતા હતા. પરંતુ 2004માં ‘ફાયરફોક્સ’ અને 2008માં ‘ગૂગલ ક્રોમ’ બ્રાઉઝર લોન્ચ થયા બાદ ‘ઈન્ટરનેટ એક્સપ્લોરર’નો વપરાશ ઝડપથી ઘટી ગયો હતો. એન્ડ્રોઈડ અને iOS જેવી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમની લોકપ્રિયતા વધવા માંડી હતી અને તેઓ ‘ઈન્ટરનેટ એક્સપ્લોરર’ને સપોર્ટ કરતી નથી.