વોશિંગ્ટનઃ અમેરિકામાં ફુગાવાનો દર નવેમ્બરમાં 40 વર્ષના ઊંચાઈએ પહોંચ્યો છે. અમેરિકામાં કિંમતોમાં ધીમો વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને ગેસોલિન અને કાર્સની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. શ્રમ વિભાગનો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) ગયા નવેમ્બરની તુલનાએ 6.8 ટકા વધ્યો, જેમાં જૂન 1982 પછી સૌથી મોટો વધારો છે. આ વધારો ગેસોલિન, જૂની કારો, ભાડાં, ખાદ્ય સામગ્રી અને અન્ય ચીજવસ્તુઓની થયેલા વધારાને આભારી છે. વિભાગે ફુગાવાના આંકડા જારી કર્યા પછી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને કહ્યું હતું કે વૈશ્વિક રોગચાળાને લીધે કિંમતોમાં વધારો થવાને કારણે અર્થતંત્રો દબાણ અનુભવી રહ્યાં છે.
ફુગાવાનો દર વધવાને કારણે નીચલા અને મધ્યમ વર્ગના પરિવારોને દૈનિક ચીજવસ્તુઓ મોંઘી પડી રહી છે. જોકે સામે પક્ષે કામદારોની અછતને કારણે કંપનીઓ કામદારોના પગાર અને ભથ્થાં વધાર્યાં છે, જોકે એને લીધે કંપનીઓએ ઉત્પાદનોની કિંમત વધારવી પડી છે, જેથી ફુગાવાનો દર વધ્યો છે.
કોરોના રોગચાળાના પડકારોને પહોંચી વળવા માટે અમે કામ કરી રહ્યા છીએ અને આવનારાં સપ્તાહોમાં વધુ કામગીરી થવાની આશા છે. CPI અહેવાલ મુજબ ગયા મહિને પેટ્રોલની કિંમતમાં 6.1 ટકાનો વધારો થયો છે, જ્યારે કારોની કિંમતોમાં 2.5 ટકાનો વધારો થયો છે. જોકે માસિક ધોરણે ઉપભોક્તા મૂલ્ય ફુગાવાના દરમાં 0.8 ટકાથી થોડો ઘટાડો થયો છે, પણ તેમ છતાં એ અપેક્ષાથી પણ વધુ છે. ફુગાવાના દરમાં વધારો થતાં એને કાબૂમાં લેવા માટે બાઇડને સૌથી પ્રાથમિકતા આપી છે.