જકાર્તા- ઈન્ડોનેશિયામાં ગત સપ્તાહે આવેલા ભયાનક ભૂકંપ અને ત્યારબાદ સુનામીના કારણે કુદરતી આફતથી પરેશાન લોકોને વધુ એક વખત પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. બુધવારે ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો. જેણે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.ભૂકંપ અને સુનામીને કારણે હજારો લોકોના મોત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને રાહત અને બચાવ કાર્ય હજી પણ યુદ્ધના ધોરણે ચાલુ છે. ઈન્ડોનેશિયાના પાલૂના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં જ્વાળામુખી વિસ્ફોટને કારણે સુનામીગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કાર્યમાં મુશ્કેલી પડી રહી છે.
ઈન્ડોનેશિયાના આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓનું કહેવું છે કે, બુધવારે ઉત્તર સુલાવેસીમાં માઉન્ટ સોપુતન જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો. મીડિયા રિપોર્ટ્સમાં જે ફોટા સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, જ્વાળામુખીનો ઉદભવ એટલો ભયાનક હતો કે, તેનો ધુમાડો હજારો મીટર સુધી ઉંચે જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ઈન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામીને ભલે ઘણા દિવસો વિતી ગયા હોય પરંતુ તેનાથી થયેલા વિનાશનો માહોલ હજી પણ યથાવત છે. ગત શુક્રવારે આવેલી કુદરતી આફત બાદ અહીંના લોકોને હજી કોઈ પ્રકારની મદદ મળી નથી. ખાલી પડેલા ઘરોમાં હાલમાં લોકો આશ્રય લેવા જઈ રહ્યાં છે અને સહાય નહીં મળવાથી લોકો પ્રશાસન સામે ગુસ્સે ભરાયા છે.