નવી દિલ્હીઃ જાણીતા સ્વિડિશ પત્રકારે દાવો કર્યો છે કે ભારત અને ચીનની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ટકરાવની સીમા વિવાદથી કોઈ લેવાદેવા નથી. દરઅસલ, બીજિંગ બહુરાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યક્રમ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)ને પડતો મૂકવા બદલ નવી દિલ્હીને સબક શીખવાડવા ઇચ્છે છે. પૂર્વ લદ્દાખમાં જે કંઈ ચીન કરી રહ્યું છે, એ એનો જ હિસ્સો છે.
સ્વીડનના પત્રકાર બર્ટિલ લિંટનરે કહ્યું છે કે ચીન હાલમાં કોરોના સંકટનો લાભ ઉઠાવવા માગે છે. જેથી એ હિંદ પ્રશાંત ક્ષેત્રમાં પોતાની તાકાત બતાવી રહ્યું છે. પૂર્વ લદ્દાખમાં LAC પર ભારતની સાથે જે અથડામણ થઈ હોય અથવા હોંગકોંગમાં નવો સુરક્ષા કાયદો લાગુ કરવાનો હોય કે પછી તાઇવાનના હવાઈ ક્ષેત્રમાં લડાકુ વિમાન મોકલવાના હોય અથવા દક્ષિણી ચીન સાગરમાં વિયેતનામ અને ફિલિપિન્સથી ટકરાવ હોય.
ચીન સંપૂર્ણ વિસ્તારમાં (એશિયામાં) પોતાની શક્તિ બતાવી રહ્યું છે. લિન્ટનરે કહ્યું હતું કે ભારતની સાથે ટકરાવના સીમા વિવાદ સ્નાનસૂતકનોય સંબંધ નથી. ભારતે એના મહત્ત્વાકાંક્ષી BRI પ્રોજેક્ટને છિન્નભિન્ન કરી નાખ્યો છે, જેથી ચીન સમસમી ગયું છે.
એ પડોશી દેશોને બતાવી દેવા માગે છે કે આ ક્ષેત્રમાં કોણ સૌથી મોટું શક્તિશાળી છે. ચીન વિશ્વમાં સુપરપાવર બનવા ઇચ્છે છે.