નવી દિલ્હીઃ કોરોના વાઇરસ માટેની એક વાર નક્કર સારવાર મળી જાય એ પછી આ રોગની દવા અને રસીઓના મોટા પાયે ઉત્પાદનમાં ભારતની ભૂમિકા મહત્ત્વની બની રહેશે, એમ ભારતસ્થિત ફ્રાન્સના રાજદૂત ઇમાન્યુઅલ લેનને કહ્યું છે. વિશ્વભરમાં 50 લાખથી વધારે લોકો આ વાઇરસથી સંક્રમિત છે અને 3.30 લાખથી વધુ લોકોનો ભોગ લેનાર કોરોના વાઇરસ માટેની અસરકારક દવા અને રસી શોધવા માટે સમગ્ર વિશ્વમાં અનેક સંશોધકો વચ્ચે હરીફાઈ ચાલી રહી છે.
ભારતની દવા અને રસીના ઉત્પાદનમાં મહત્ત્વની ભૂમિકા
વૈશ્વિક સ્તરે ભારત રસીઓ અને જેનેરિક દવાઓના ઉત્પાદનમાં અગ્રેસર છે. ભારતમાં સંખ્યાબંધ ઇન્સ્ટિટ્યૂટ્સ પણ કોરોના વાઇરસની રસી શોધવા માટે અલગ રીતે પ્રયાસો કરી રહી છે. કોરોના વાઇરસની અકસીર દવા કે રસી મળી જાય એ પછી દવાઓ અને રસીના ઉત્પાદનમાં ભારતની ભૂમિકા અગ્રેસર રહેશે, વળી દેશો વચ્ચે સંકલન કરવું પણ ખૂબ મહત્ત્વનું છે, કેમ કે વિશ્વવ્યાપી વિતરણ વ્યવસ્થા પણ યોગ્ય રીતે ગોઠવાવી જોઈએ, એમ ફાન્સના એમ્બેસેડરે પીટીઆઇ સમાચાર સંસ્થાને જણાવ્યું હતું. તેમની આ ટિપ્પણી એટલે મહત્ત્વની છે કેમ કે હાલમાં જ યુરોપિયન યુનિયનના 27 દેશોએ કોરોના વાઇરસની દવા કે રસી શોધાયા પછી એના વોલન્ટરી પેટન્ટ હકો મેળવવા પર ભાર મૂક્યો હતો અને એના જથ્થાબંધ ઉત્પાદન પછી એકસમાન દરેક દેશને ઉપલબ્ધ બને એની ખાતરી પણ માગી હતી.
WHOની બેઠકમાં પણ આ મુદ્દા પર ભાર
તાજેતરની વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની બે દિવસીય કોન્ફરન્સમાં આ મુદ્દો ઊભો થયો હતો કે કોરોના વાઇરસ સામેની અકસીર દવા કે રસી દુનિયાના બધા દેશોને ઉપલબ્ધ કરાવવામાં આવે. એવું હોવું ન જોઈએ કે એક-બે દેશ જ આ દવા કે વેક્સિનને પોતાની પાસે દબાવી રાખે અને પછી એમાંથી ખૂબ નફો રળે. અનેક દેશોએ આ વાત પર ખાસ ભાર મૂક્યો છે. ફ્રાન્સ અને ભારતે યુરોપિયન યુનિયનના આ ઠરાવ (WHO)ને ટેકો પૂરો પાડ્યો હતો. આ વૈશ્વિક મહામારી સામે વિશ્વના લોકોના જાહેર સ્વાસ્થ્ય માટે કોવિડ-19 સામે વ્યાપક દવા-રસીને ઉપલબ્ધ કરાવવા ભાર મૂક્યો હતો.
ભારતે 133 દેશોને હાઇડ્રોક્સિક્લોરોક્વીન 44.6 કરોડ ગોળીઓ સપ્લાય કરી
વિશ્વભરમાં જ્યારથી કોરોના વાઇરસ પ્રસર્યો છે ત્યારથી ભારતે વૈશ્વિક અભિગમ કેળવીને 133 દેશોને હાઇડ્રોક્સિક્લોરોક્વીન ટેબ્લેટ્સ અને 1.54 અબજ પેરાસિટામોલ પહોંચાડી છે, જેની અનેક વૈશ્વિક નેતાઓએ પ્રશંસા કરી છે.
ફાર્મસી ઓફ ધ વર્લ્ડ
ગયા સપ્તાહે ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું હતું કે કોરાના વાઇરસના વૈશ્વિક રોગચાળા સામે ભારતે ‘ફાર્મસી ઓફ ધ વર્લ્ડ’ની ભૂમિકા ભજવી છે.
ભારતનો આભાર માન્યો
ફ્રેન્ચ રાજદૂત લેનને વધુમાં કહ્યું છે કે હાલની સદીમાં કોરોના સંકટમાં ફ્રાન્સ અને ભારત દવા-રસી બનાવવા માટે યોગ્ય વિકલ્પ છે. કેટલાક ગંભીર દર્દીઓની સારવાર કરવા માટે ભારતે જે કેટલીક ક્રિટિકલ ડ્રગ્સની નિકાસને મંજૂરી આપી એ માટે અમે ભારતના ખૂબ આભારી છીએ.