જિનિવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કહ્યું હતું કે ભારતમાં કોરોના વાઇરસના કેસોમાં વધારા માટે જવાબદાર કોવિડ-19 વેરિયેન્ટ B.1.617 એક ડઝનથી વધુ દેશો મળી આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની આરોગ્યની એજન્સીએ કહ્યું હતું કે કોરોનાના B.1.617 વેરિયન્ટ પહેલી વાર ભારતમાં મળી આવ્યા હતા. એની સાથે GISAID ઓપન એક્સેસ ડેટાબેઝ પર અપલોડ કરવામાં આવેલા 1200થી વધુ સિક્વન્સ કમસે કમ 17 દેશોમાં માલૂમ પડે છે.
WHOએ રોગચાળા સંબંધી સાપ્તાહિક અપડેટમાં કહ્યું છે કે ભારત, નાઇટેડ કિંગડમ, અમેરિકા અને સિંગાપુરમાંથી સૌથી વધુ સિકવન્સ અપલોડ કરવામાં આવ્યા છે. WHOએ હાલમાં જ B.1.617ને કોવિડ-19 નવા વેરિયેન્ટ તરીકે ઘોષિત કર્યા છે. આરોગ્ય સંસ્થાએ કહ્યું છે આમાં હળવા મ્યુટેશન આવે છે. જોકે અત્યાર સુધી એને ચિંતાજનક જાહેર નથી કરવામાં આવ્યા.
બીજી લહેરમાં કોરોનાના કેસો ઝડપથી વધવાના સંદર્ભમાં WHOએ લોકો દ્વારા લાપરવાહી દાખવાતાં સંક્રમણ ઝડપથી ફેલાયું હોવાનો અંદેશો વ્યક્ત કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ ભાર મૂક્યો હતો કે B.1.617 અને અન્ય વેરિયન્યના સંબંધમાં અભ્યાસની જરૂર છે.
SARS-COV2ના B.1.617 સ્વરૂપના બેવડા સ્વરૂપને ભારતીય સ્વરૂપ પણ કહેવામાં આવે છે. એ સ્વરૂપ રોગચાળાની બીજી લહેરથી ખરાબ રીતે પ્રભાવિત મહારાષ્ટ્ર અને દિલ્હીમાં મળી આવ્યું છે.