કેલિફોર્નિયાના પાર્કમાં ઊંડી ખાઈમાં પડી જવાથી ભારતીય દંપતીનું દુખદ મરણ

ન્યુ યોર્ક – ડેરડેવિલ સ્ટન્ટ કરવાનું પોતાને કેટલું બધું પસંદ છે અને કરાડની ધાર પર ઊભવામાં પોતાને કેટલો બધો આનંદ આવે છે એવું એક ટ્રાવેલ બ્લોગમાં જણાવનાર એક ભારતીય દંપતીને ત્યારે ખબર નહોતી કે એમનું મરણ કોઈક સાહસપ્રવાસ દરમિયાન દુખદ રીતે થવાનું છે. કેલિફોર્નિયાના યોઝમાઈટ નેશનલ પાર્કમાં ગયા સોમવારે બનેલા બનાવમાં, વિષ્ણુ વિશ્વનાથ અને મિનાક્ષી મૂર્તિનું કરૂણ મરણ નિપજ્યું છે.

વિષ્ણુ (29) અને મિનાક્ષી (30)નું યોઝમાઈટ નેશનલ પાર્કમાં ટેફ્ટ પોઈન્ટમાંથી પડી જવાથી મરણ નિપજ્યું હતું.

વિશ્વનાથ અને મૂર્તિ બંને જણ સોફ્ટવેર એન્જિનિયર્સ હતાં. બંનેએ 2014માં લગ્ન કર્યાં હતાં. તેઓ ભારતમાંથી આવ્યાં હતાં અને અમેરિકામાં રહેતાં હતાં. તાજેતરમાં જ વિશ્વનાથને સેન જોઝમાં સિસ્કો સિસ્ટમ્સ કંપનીમાં સિસ્ટમ્સ એન્જિનિયર તરીકે નોકરી મળ્યા બાદ પતિ-પત્ની ન્યુ યોર્કમાં શિફ્ટ થયાં હતાં.

પાર્કના રેન્જર્સને ગયા ગુરુવારે ટેફ્ટ પોઈન્ટની નીચે ઊંડી ખાઈમાંથી બંનેનાં મૃતદેહ બહાર કાઢ્યા હતા. યોઝમાઈટ ખીણ, યોઝમાઈટ ધોધનાં મનોહર દ્રશ્ય માટે ટેફ્ટ પોઈન્ટ જાણીતી જગ્યા છે.

મુલાકાતીઓએ બુધવારે દંપતીનાં મૃતદેહ જોયા હતા અને પાર્કના સત્તાવાળાઓને જાણ કરી હતી.

ટેફ્ટ પોઈન્ટમાં ઊંડી ખાઈઓ આવેલી છે. પર્યટકોમાં આ ખૂબ જાણીતી જગ્યા છે. ત્યાં ઊભીને લોકો ફોટા ખેંચતા હોય છે.

વિશ્વનાથ અને મૂર્તિ કેવી રીતે પડી ગયાં એ હજી સુધી સ્પષ્ટ થયું નથી. અકસ્માત બન્યો ત્યારે બંને જણ શું કરતાં હતાં એ હજી કળી શકાયું નથી.

આ દંપતી હોલીડેઝ એન્ડ હેપ્પીલી એવર આફ્ટર્સ નામે એક બ્લોગ ચલાવતા હતા. જેમાં તેઓ એમણે દુનિયાભરમાં ખેડેલા એમનાં સાહસો વિશે લખતાં હતાં. તેઓ સુંદર સ્થળોની તસવીરો પણ શેર કરતાં હતાં અને પ્રવાસને લગતાં જોખમોથી લોકોને ચેતવતાં પણ હતાં.

httpss://www.facebook.com/photo.php?fbid=1739798619363529&set=a.307568235919915&type=3&theater

પાર્કના પ્રવક્તાએ કહ્યું કે આ પાર્કમાં આ જ વર્ષમાં 10 જણ માર્યા ગયા છે. છ મુલાકાતીઓનાં મરણ પડી જવાને કારણે નિપજ્યાં હતાં. યોઝમાઈટ જંગલ વિસ્તાર છે. જો તમે ચાલતી વખતે ધ્યાન ન રાખો તો લપસીને ખાઈમાં પડી જવાનું પૂરેપૂરું જોખમ રહે છે.

httpss://www.facebook.com/photo.php?fbid=1650293008314091&set=a.273892489287490&type=3&theater