અમેરિકામાં ખાલિસ્તાનીની હત્યાનું ષડયંત્ર ઘડવાનો ભારતીય નાગરિક પર અમેરિકાનો આરોપ

વોશિંગ્ટનઃ ભારતવિરોધી, ખાલિસ્તાની ઉગ્રવાદી અને ‘શીખ્સ ફોર જસ્ટિસ’ સંગઠનના નેતા ગુરપતવંતસિંહ પન્નૂની હત્યાનું કાવતરું કથિતપણે ઘડવાના આરોપસર અમેરિકાના સત્તાવાળાઓએ નિખિલ ગુપ્તા નામના ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. નાણાંના બદલામાં અમેરિકાની ધરતી પર અમેરિકન નાગરિકની હત્યાનું કાવતરું ઘડવાનો અમેરિકી સરકારે ગુપ્તા પર આરોપ મૂક્યો છે. અમેરિકી અધિકારીઓએ 52 વર્ષીય ગુપ્તાને છટકું ગોઠવીને પકડ્યો હતો. ગુપ્તાએ વેશ બદલીને આવેલા એક ફેડરલ એજન્ટને હિટમેન (ભાડૂતી હત્યારા) તરીકે સમજીને એને એક લાખ ડોલરની રોકડ રકમમાં હત્યા માટે રોક્યો હતો. ગુપ્તાને હાલ ચેક પ્રજાસત્તાક દેશમાં પકડવામાં આવ્યો છે. ચેક અને અમેરિકા વચ્ચે ગુનેગારોની સોંપણી બાબતમાં કરાર થયેલા છે. તેથી હવે ગુપ્તાની સોંપણી અમેરિકાને કરી દેવામાં આવશે. અમેરિકાની અદાલતમાં તેની પર મુકદ્દમો ચલાવવામાં આવશે અને જો તે ગુનેગાર ઠરશે તો એને 20 વર્ષની જેલની સજા થઈ શકે છે.

એવો અહેવાલ છે કે, ગયા મે મહિનામાં ભારત સરકારે નિખિલ ગુપ્તાને પોતાના કર્મચારી તરીકે ભરતી કર્યો હતો. ગુપ્તાની ધરપકડ કરીને અમેરિકાના સત્તાવાળાઓએ પન્નૂની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. આ કાવતરામાં ભારત સરકાર સંડોવાયેલી છે એવો અમેરિકાએ ભારત પર આરોપ પણ મૂક્યો છે. ભારત સરકાર તેને નકારી ચૂકી છે, પણ ગુપ્તાના મામલે તપાસ પણ કરાવી રહી છે.

સધર્ન ડિસ્ટ્રીક્ટ ઓફ ન્યૂયોર્કના અમેરિકી એટર્ની ડેમિયન વિલિયમ્સે એક નિવેદનમાં કહ્યું કે, અમેરિકાની ધરતી પર અમેરિકાના નાગરિકની હત્યાનો પ્રયાસ કરાય તેને અમે જરાય સાંખી નહીં લઈએ. જે કોઈ વ્યક્તિ આવો ગુનો કરશે એની સામે તપાસ કરવામાં આવશે અને એની સામે અમેરિકાની અદાલતમાં મુકદ્દમો ચલાવાશે.