બર્લિનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે અહીં જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મળ્યા હતા અને બંને નેતા વચ્ચે દ્વિપક્ષીય સ્તરે ચર્ચા થઈ હતી. બંને દેશના પ્રતિનિધિમંડળ સ્તરે પણ દ્વિપક્ષીય વ્યાપાર તથા સાંસ્કૃતિક સંબંધો વધારે મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ હતી.
ભારતને નવી તથા અધિક પર્યાવરણ-લક્ષી વિકાસલક્ષી યોજનાઓ માટે 2030ની સાલ સુધી 10 અબજ યૂરોની આર્થિક સહાયતા કરવાનું જર્મનીએ વચન આપ્યું છે. જર્મનીએ આ વચન બંને દેશ વચ્ચે ગઈ કાલે કરવામાં આવેલી ‘ગ્રીન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પાર્ટનરશિપ’ સમજૂતી – જોઈન્ટ ડેક્લેરેશન ઓફ ઈન્ટેન્ટ (જેડીઆઈ) અંતર્ગત આપ્યું છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું છે કે JDI ભારત અને જર્મની વચ્ચે વિકાસ સહયોગના એજન્ડા માટે લાંબા ગાળાનો વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે. આ સમજૂતી ભારતમાં ગ્રીન (પર્યાવરણને અનુકૂળ) હાઈડ્રોજન અને રીન્યૂએબલ ઊર્જાના ઉત્પાદનમાં સહયોગ માટેની છે. જર્મનીના ટેકા સાથે ભારતમાં ગ્રીન હાઈડ્રોજન હબ સ્થાપવા માટે કામગીરી શરૂ કરાશે.