વિશ્વની ઘઉંની જરૂરિયાત સંતોષે છે ભારતઃ PM મોદી

બર્લિનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બર્લિનમાં ભારતીય સમાજને સંબોધિત કર્યો હતો. ભારતમાં હાલ સસ્તો ડેટા છે, જે કેટલાક દેશો માટે એ અકલ્પનીય છે. ભારતમાં ક્યાંય પણ પ્રવાસ કરતા સમયે હવે ખિસ્સામાં રોકડ રાખવાની મજબૂરી ખતમ થઈ ગઈ છે. વિશ્વ જ્યારે ઘઉંના સંકટથી ઝઝૂમી રહ્યું છે, ત્યારે ભારતનો ખેડૂત વિશ્વનું પેટ ભરવા આગળ આવી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર અને સ્થાનિક સેલ ગવર્નમેન્ટની 10,000 સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ છે. હવે ભારતમાં નાણાં સીધા બેન્કમાં પહોંચે છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે એ કયો પંજો છે, જે 85 પૈસા આંચકી લેતો હતો. તેમણે એ પણ કહ્યું હતું કે હવે કોઈ વડા પ્રધાનને એ કહેવાની જરૂર નથી કે દિલ્હીથી એક રૂપિયો મોકલું છું અને 15 પૈસા જ પહોંચે છે. હવે દિલ્હીથી જે મદદ મોકલવામાં આવી રહી છે, એ પૂરી મળી રહે છે.

તેમણે કહ્યું હતું કે નવું ભારત સુરક્ષા વિશે જ નથી વિચારતું, પણ જોખમ લેવામાં પણ માને છે. 2014માં દેશમાં 200-400 સ્ટાર્ટઅપ હતાં, પણ આઠ વર્ષ પછી 68,000થી પણ વધુ સ્ટાર્ટઅપ છે. તેમની સરકારે DBTના માધ્યમથી રૂ. 22 લાખ કરોડથી વધુ મોકલ્યા છે. વડા પ્રધાનનું એક કલાકનું સંબોધન બર્લિનના થિયેટર એમ પોસ્ટડેમર પ્લાત્ઝમાં થયું હતું.