નવી દિલ્હીઃ પાકિસ્તાન હવે પાણીનાં ટીપેટીપાં માટે તરસવાનું છે, કેમ કે કેન્દ્ર સરકારે સિંધુ જળમાં ફેરફારની માગને લઈને નોટિસ મોકલી છે. આ નોટિસમાં સરકારે કહ્યું છે કે અમે હવે સંધિ યથાવત્ નહીં રાખી શકીએ, એટલે એમાં ફેરફાર કરવાની જરૂર છે.
આ નોટિસમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે સંધિ થઈ હતી, ત્યારની અને અત્યારના સમયની સ્થિતિ બદલાયેલી છે અને એથી એમાં ફેરફારની જરૂર છે. આ સંધિનું વાસ્તવિક મૂલ્યાંકન કરવાની જરૂર છે.
છેલ્લા કેટલાક દાયકાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960 સિંધુ જળ સંધિ મામલે વિવાદ વકર્યો છે, ભારત દર વર્ષની જેમ આ વર્ષે પણ 30 ઓગસ્ટ, 2024એ પાકિસ્તાનને આ મુદ્દે સમીક્ષા અને સુધારા-વધારા કરવાની માગ કરતી ઔપચારિક નોટિસ મોકલી હતી. સંધિની કલમ XII (3) અંતર્ગત બંને સરકાર વચ્ચે અમુક ઉદ્દેશો માટે સિંધુ સંધિમાં વિધિવત સુધારા-વધારા કરવાની જોગવાઈ છે.
ભારતીય અધિકારીઓ માને છે કે પાકિસ્તાન ભારત તરફથી તમામ પ્રોજેક્ટ્સનો વાંધો ઉઠાવી રહ્યો છે. તે સિંધુ જળ સંધિ હેઠળ ભારતની ઉદારતાનો લાભ લઈ રહ્યો છે. 1960માં સંધિ થયા બાદથી આ ક્ષેત્રે વિવિધ વિકાસ કર્યો છે. ભારતીય માર્ગદર્શિકા દર્શાવે છે કે અમુક સંજોગોમાં મૂળભૂત અને અણધાર્યા ફેરફારો જોવા મળ્યા છે, જે સંધિની વિવિધ કલમોનું ઉલ્લંઘન દર્શાવે છે.1960ની સંધિને ઘણો સમય થઈ ચૂક્યો હોવાથી હવે તેની વિવિધ કલમો હેઠળ જવાબદારીઓનું પુન: મૂલ્યાંકન કરવુ જરૂરી બન્યું છે. ભારતે ત્રણ મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રથમ, નોંધપાત્ર રીતે બદલાયેલ વસ્તી વિષયક કૃષિ અને પાણીના ઉપયોગની જરૂરિયાત બદલાઈ છે. બીજું, ભારતના ઉત્સર્જનના લક્ષ્યાંકોને પહોંચી વળવા ક્લીન એનર્જીના વિકાસને વેગ આપવાની જરૂરિયાત અને ત્રીજું, જમ્મુ અને કાશ્મીરમાં સતત સીમાપાર આતંકવાદની અસરને રેખાંકિત કરવામાં આવી છે, જે સંધિની સરળ કામગીરીમાં અવરોધ ઊભો કર્યો છે.
