ઈસ્લામાબાદ – પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને જણાવ્યું છે કે જમ્મુ-કશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને રદ કરી દીધા બાદ ભારત સરકાર સાથે મંત્રણા કરવાનો કોઈ પ્રશ્ન ઊભો થતી. ઈમરાને એવી ચેતવણી આપી છે કે ભારત સાથે પરંપરાગત શસ્ત્રો સાથે યુદ્ધની સંભાવના છે અને યુદ્ધ ભારતીય ઉપખંડની બહાર પણ ફેલાઈ શકે છે.
ઈમરાન ખાને અલ જઝીરા ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે અમે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાનો સંપર્ક કર્યો છે. અમે દરેક આંતરરાષ્ટ્રીય મંચનો સંપર્ક કરીશું, એમણે હવે પગલું ભરવું જ જોઈએ.
ઈમરાન ખાન કહે છે કે ભારત સાથે પાકિસ્તાનનું યુદ્ધ થવાની પૂરી શક્યતા છે એવું પોતે માને છે. એ સંભવિત આફત ભારતીય ઉપખંડની બહાર પણ ફેલાઈ શકે છે.
ઈમરાને કહ્યું કે પાકિસ્તાન ક્યારેય યુદ્ધ શરૂ કરતું નથી. હું શાંતિવાદી છું. હું યુદ્ધનો વિરોધી છું. મારું માનવું છે કે યુદ્ધથી કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી. જેની પાસે અણુબોમ્બ હોય એવા બે દેશ ઝઘડે અને જો તેઓ પરંપરાગત રીતે યુદ્ધ કરે તો એનું પરિણામ આખરે અણુયુદ્ધનું આવે એવી પૂરી શક્યતા રહે.
ઈમરાને એમ પણ કહ્યું કે ધારો કે પરંપરાગત યુદ્ધ થાય તો પાકિસ્તાનની હાર થાય. અને જ્યારે કોઈ દેશને નક્કી કરવાનું આવે કે કાં તો શરણે થઈ જાવ અથવા તમારી આઝાદી માટે મૃત્યુ સુધી લડી લો તો મારું માનવું છે કે પાકિસ્તાનીઓ એમની આઝાદી માટે મૃત્યુ સુધી લડશે.