લાહોર – પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન અને રાજકીય નેતા ઈમરાન ખાને ત્રીજી વાર શાદી કરી છે. આ વખતે એમણે આધ્યાત્મિક સલાહકાર (ફેઈધ હીલર) બુશરા માનિકાને એમની બેગમ બનાવી છે.
ઈમરાન ખાન જેના વડા છે તે પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ રાજકીય પાર્ટીએ ખાન અને બુશરાનાં લગ્નને સમર્થન આપ્યું છે.
65 વર્ષીય ઈમરાન અને બુશરા માનિકાનાં લગ્ન પ્રસંગની તસવીરો પીટીઆઈ પાર્ટીએ ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.
લગ્ન પ્રસંગ ગઈ કાલે રવિવારે લાહોરમાં યોજવામાં આવ્યો હતો, જેમાં પક્ષના અમુક ટોચના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઈમરાન ખાને આ પહેલાં 1995માં પાકિસ્તાની-બ્રિટિશ પત્રકાર જેમિમા ગોલ્ડસ્મિથ સાથે લગ્ન કર્યા હતા. એ લગ્નજીવન 9 વર્ષ સુધી રહ્યું હતું. જેમિમાને છૂટાછેડા આપ્યા બાદ ઈમરાને 42 વર્ષીય અને ટીવી પત્રકાર રેહમ ખાન સાથે 2015ના જાન્યુઆરીમાં લગ્ન કર્યા હતા, પરંતુ 2017માં એમણે છૂટાછેડા લઈ લીધા હતા. બંનેએ પરસ્પર સંમત્તિથી છૂટાછેડા લીધા હતા.
બુશરા માનિકા આધ્યાત્મિક ગુરુ છે. એ પંજાબનાં પાકપટ્ટન જિલ્લામાં બુશરા બીબી તરીકે જાણીતાં છે. ઈમરાન ખાન આધ્યાત્મિક સલાહ માટે ઘણી વાર બુશરાને મળવા જતા હતા. બુશરાએ લાહોરની એચિસન કોલેજમાંથી ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યું છે. એમણે પહેલાં ખવાર ફરીદ માનિકા સાથે લગ્નન કર્યા હતા, જે ઈસ્લામાબાદના સિનિયર કસ્ટમ અધિકારી હતા. બુશરા અમુક વર્ષ પૂર્વે જ ખવાર ફરીદ માનિકાથી અલગ થયા છે.
બુશરાને પાંચ સંતાનો છે, જેમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે.
ઈમરાન અને બુશરા પહેલી વાર 2015માં લોથરનમાં મળ્યા હતા. એ વખતે ઈમરાન ખાન એક પેટા-ચૂંટણીના પ્રચાર માટે ત્યાં ગયા હતા.