ઈસ્લામાબાદ- ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન ખાન હાલમાં એક પછી એક વિવાદોમાં ઘેરાઈ રહ્યા છે. પહેલા પૂર્વ પત્નીના ગંભીર આક્ષેપોને કારણે અને હવે પોતાના જ વિવાદાસ્પદ નિવેદનને કારણે ઈમરાન ખાન મીડિયામાં છવાયેલા રહ્યા છે અને તેની ટીકા થઈ રહી છે.આપને જણાવી દઈએ કે, ઈમરાન ખાને એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, તેઓ પશ્ચિમી ‘નારીવાદી આંદોલન’ સાથે સહમત નથી. એટલું જ નહીં ઈમરાન ખાને એમ પણ કહ્યું કે, નારીવાદને કારણે માતૃત્વની ભાવના ઘટી છે. પાકિસ્તાનમાં તહેરિક-એ-ઈન્સાફ પાર્ટીના વડાની આ ટિપ્પણીને મહિલા વિરોધી ગણાવી હવે સોશિયલ મીડિયા પર તેની આલોચના કરવામાં આવી રહી છે.
ઈમરાન ખાને ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘કોઈ પણ વ્યક્તિ પર સૌથી વધુ પ્રભાવ તેની માતાનો હોય છે. અને હું પશ્ચિમની આ નારીવાદી સભ્યતાથી સહમત નથી. આ નારીવાદી આંદોલને એક માતાની ભૂમિકાને ઘટાડી દીધી છે. હું જ્યારે મોટો થઈ રહ્યો હતો ત્યારે મારા ઉપર સૌથી વધુ પ્રભાવ મારી માતાનો હતો’.
ઈમરાન ખાનના આ નિવેદન બાદ અનેક ટ્વીટર યુઝર્સ ઈમરાન ખાનના વિરોધમાં સામે આવ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે, નારીવાદને લઈને ઈમરાન ખાનની સમજણ ઘણી મર્યાદિત છે. તો અન્ય કેટલાક લોકોએ કહ્યું કે, નારીવાદ ખરેખર માતૃત્વનો આનંદ આપે છે. તો કેટલાક લોકોએ ઈમરાન ખાનને પોતાને શિક્ષિત કરવાની જરુર છે તેવી સલાહ આપી હતી.