પાકિસ્તાનમાં હિંદુ યુવતીનું અપહરણ કરી મુસ્લિમ સાથે કરાવ્યાં લગ્ન

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં 16 વર્ષની એક હિંદુ યુવતીને કીડનેપ કરીને તેના જબરદસ્તી મુસ્લિમ યુવક સાથે લગ્ન કરાવી દીધાનો મામલો સામે આવ્યો છે. મુસ્લિમ શખ્સે લગ્ન કરતા પહેલા તેને જબરદસ્તી ધર્મ-પરિવર્તન પણ કરાવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર સિંધ પ્રાંતના થારપારકર સ્થિત સલામ કોટ ક્ષેત્રમાં અનૂષા મેઘવાર નામની એક યુવતીને કીડનેપ કરી લેવામાં આવી અને ત્યારબાદ તેના લગ્ન એક મુસ્લિમ યુવક સાથે કરાવી દેવામાં આવ્યાં.

પ્રાપ્ત વિગતો અનુસાર આ કાંડમાં યુવતીને કીડનેપ કરીને તેની સાથે લગ્ન કરનારા શખ્સને સ્થાનિક મૌલવીનું સમર્થન પ્રાપ્ત છે. મૌલવી આ પહેલા પણ ઘણા હિંદુઓનું ધર્માંતરણ કરાવી ચૂક્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર સિંધ પ્રાંતના થારપારકર ક્ષેત્રમાં 80 ટકા હિંદુ આબાદી છે. પરંતુ આ લોકો કમજોર અને ગરીબ છે. આ લોકો હંમેશા એન્ટી હિંદુ તત્વોના નિશાના પર રહે છે.

મુખ્યત્વે આ લોકોનું ધર્માંતરણ કરાવવાની અને બહેનો દીકરીઓને કીડનેપ કરીને રેપ અથવા જબરદસ્તી મુસ્લિમ સાથે લગ્ન કરવાની ઘટનાઓ સુર્ખીઓમાં જોવા મળતી રહે છે. જો કે આ ઘટના બાદ પાકિસ્તાનના સામાજિક કાર્યકર્તાઓ રોષે ભરાયા છે. અનૂષા મેઘવારનું અપહરણ અને ધર્માંતરણ બાદ જબરદસ્તી લગ્ન કરાવવાની ઘટનાની આકરી ટીકા થઈ રહી છે.

પાકિસ્તાનમાં હિંદુ સમુદાય વિરુદ્ધ આ પ્રકારના અત્યાચાર સામાન્ય રીતે ચર્ચામાં રહે છે. પરંતુ પાકિસ્તાનમાં હિંદુઓને આટલી કનગડત થતી હોવા છતા પણ કેન્દ્રની ઈમરાન ખાનની સરકાર અને  સિંધ પ્રાંતની પાકિસ્તાન પિપલ્સ પાર્ટીની સરકાર કોઈ કડક પગલા ભરતી નથી. બંન્ને સરકારો આ પ્રકારના મામલાઓને ક્યારેય ગંભીરતાથી લેતી નથી.

મહત્વનું છે કે તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનમાં હિંદુ દીકરીઓનું જબરદસ્તી અપહરણ અને તેમના જબરદસ્તી મુસ્લિમો સાથે કરાવાતા લગ્ન કરાવવા જેવી ઘટનાઓ રોકવાની વાત કહી હતી. પરંતુ થારપારકર જેવી ઘટનાઓ તેમની વાતોને પોકળ અને માત્ર દેખાડો સાબિત કરી રહી છે.