ઈસ્લામાબાદ- ભારત અને અમેરિકાના દબાણને કારણે પાકિસ્તાનને મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદ પર કાર્યવાહી કરવાની પરજ પડી છે. જોકે આ કાર્યવાહીને કારણે હાફિઝ વધુ ગુસ્સે ભરાયો છે. પાકિસ્તાન સરકારે હાફિઝ સઈદ દ્વારા ચલાવવામાં આવતા મદરેસા અને અન્ય સંસ્થાઓ પર કાર્યવાહી બાદ મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડે કહ્યું છે કે, તે પાકિસ્તાન સરકાર દ્વારા પોતાના વિરુદ્ધની કાર્યવાહીને કોર્ટમાં પડકારશે.પ્રતિબંધિત સમૂહો સામે કાર્યવાહી કરવાના દબાણ વચ્ચે પાકિસ્તાને હાફિઝ સઈદ સાથે સંકળાયેલાં સંગઠન જમાત-ઉદ-દાવા અને ફલહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતાં મદરેસા અને ડિસ્પેન્સરી પર નિયંત્રણો મુક્યાં છે.
પાકિસ્તાન સરકારની કાર્યવાહી બાદ હાફિઝ સઈદે કહ્યું કે, કોઈપણ કાયદાકીય આધાર વગર 10 મહિના મને કેદમાં રાખ્યા બાદ સરકારે હવે અમારી સ્કૂલો, ડિસ્પેન્સરી અને એમ્બ્યુલન્સ સહિતની સંપત્તિઓ પોતાના નિયંત્રણમાં લેવા અધિસુચના જારી કરી છે. જેના કારણે પંજાબ, બલૂચિસ્તાન, સિંધ, PoK સહિત ઉત્તરી વિસ્તારોમાં ચાલતાં અમારા રાહત કાર્યો પર વિપરિત અસર પડશે.
જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદનું કહેવું છે કે, પાકિસ્તાન સરકાર અમેરિકા અને ભારતને ખુશ કરવા માટે અમારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. ‘અમે આ અયોગ્ય કાર્યવાહી વિરુદ્ધ કોર્ટમાં જઈશું અને અમારા હકની લડાઈ લડીશું’.