ફ્લોરિડાની હાઈસ્કૂલમાં ગોળીબાર: 17નાં મરણ, હત્યારો ભૂતપૂર્વ વિદ્યાર્થી

વોશિંગ્ટન – અમેરિકાના ફ્લોરિડા રાજ્યના પાર્કલેન્ડમાં મર્જોરિ સ્ટોનમેન ડગ્લાસ હાઈસ્કૂલમાંથી હાંકી કઢાયેલા એક વિદ્યાર્થીએ ગઈ કાલે કરેલા અંધાધૂંધ ગોળીબારમાં વિદ્યાર્થીઓ સહિત 17 જણ માર્યા ગયા હતા. હુમલાખોરને 19 વર્ષીય નિકોલસ ક્રૂઝ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. હુમલો કર્યા બાદ એ પોલીસને શરણે આવી ગયો હતો. પોલીસે એને કસ્ટડીમાં પૂરી દીધો છે.

આ ગોળીબારમાં બીજાં 20-50 જણ ઘાયલ પણ થયાં છે.

આ ઘટનાની તપાસમાં સ્થાનિક પોલીસ અધિકારીઓને એફબીઆઈ એજન્સીનાં અધિકારીઓ મદદ કરી રહ્યા છે.

સત્તાવાળાઓએ હુમલાખોર નિકોલસ ક્રૂઝની વેબસાઈટ્સ અને સોશિયલ મિડિયા એકાઉન્ટ્સને બંધ કરાવી દીધા છે.

નિકોલસ ક્રૂઝને શિસ્તભંગના કારણોસર સ્કૂલમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.

હુમલાખોર પાસેથી AR-15 રાઈફલ મળી આવી હતી. એની સાથે ઘણાં જીવંત કારતૂસો પણ હતા.

માર્યા ગયેલા 17માંથી 12 જણ મકાનની અંદર મૃત્યુ પામ્યા હતા. બે જણને મકાનની બહાર ઠાર કરવામાં આવ્યા હતા જ્યારે એક જણને સ્કૂલની બહારની ગલીમાં ઠાર મારવામાં આવ્યો હતો. અન્ય બે જણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો.

આ સ્કૂલમાં ઘણા ભારતીય-અમેરિકન વિદ્યાર્થીઓ ભણતા હોય છે. કમસે કમ ભારતીય સમુદાયનો એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હોવાનુ મનાય છે.

શેખર રેડ્ડી નામના એક ભારતીય-અમેરિકને કહ્યું કે ગોળીબારમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ એમના એક મિત્રનો પુત્ર પણ છે. એ બચી જાય એવી અમે સૌ પ્રાર્થના કરી રહ્યા છીએ.

ઈજાગ્રસ્તોમાંના ત્રણ જણની હાલત ગંભીર છે.