ફેઈરા ડી સેન્ટાના (બ્રાઝિલ): બ્રાઝિલના વિખ્યાત 30 વર્ષીય ગોસ્પેલ ગાયક પેડ્રો હેનરિકનું એક લાઈવ કાર્યક્રમ વખતે સ્ટેજ પર હાર્ટ એટેક આવતાં નિધન થયું છે. અહીં ગયા બુધવારે રાતે એક કોન્સર્ટ હોલમાં એક ધાર્મિક સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પેડ્રો હેનરિક સ્ટેજ પર ગીત ગાઈ રહ્યા હતા. એ કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું હતું. અચાનક જ પેડ્રો સ્ટેજ પર પડી ગયા હતા. પેડ્રોના રેકર્ડ લેબલ ‘ટોડાહ મ્યુઝિક’ તરફથી રેડિયો 93 ચેનલને જણાવવામાં આવ્યું હતું કે પેડ્રો હેનરિકને પ્રચંડ હાર્ટ એટેક આવ્યો હતો.
કાર્યક્રમમાં પેડ્રો એમના સંગીત બેન્ડના તાલ પર ગીત ગાઈ રહ્યા હતા. વચ્ચે વચ્ચે તેઓ સ્ટેજની નજીક ઊભેલા દર્શકો સાથે હાથ પણ મિલાવતા હતા. અચાનક તેઓ સંતુલન ગુમાવી બેઠા હતા અને સ્ટેજ પર ચત્તાપાટ પડી ગયા હતા. તે દ્રશ્ય અનેક જણના મોબાઈલ ફોનમાં ઝડપાઈ ગયું હતું અને ઈન્ટરનેટ પર, સોશિયલ મીડિયા પર વાઈરલ થયું છે.
પેડ્રોને ફસડાઈ પડતા જોઈને એમના બેન્ડના સાથીઓ ગભરાઈ ગયા હતા. કાર્યક્રમના સહાયકો તરત જ પેડ્રોની મદદે દોડી ગયા હતા. દર્શકો સ્તબ્ધ થઈને એ દ્રશ્ય જોતા રહ્યા હતા. પેડ્રોને તરત જ નજીકના એક ક્લિનિકમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ એમને મૃત ઘોષિત કર્યા હતા. ડોક્ટરોએ સમર્થન આપ્યું હતું કે પેડ્રોને હૃદયરોગનો પ્રચંડ હુમલો આવ્યો હતો.
પેડ્રો હેનરિકને બ્રાઝિલના એક ઉભરતા ગાયક તરીકે ગણવામાં આવતા હતા. ‘ટોડાહ મ્યુઝિક’ તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ‘પેડ્રોનું નિધન હૃદયરોગના હુમલો આવવાને કારણે થયાનું જણાવવામાં આવ્યું છે. પેડ્રો હેનરિક ખૂબ જ આનંદી સ્વભાવના યુવક, જવાબદાર પતિ અને પિતા તેમજ અમારા સહુના ઉમદા મિત્ર હતા. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે.’
30-year-old singer Pedro Henrique just collapsed and died on stage.
The new normal is not normal.
— End Wokeness (@EndWokeness) December 14, 2023