બહામાસઃ નાદાર થઈ ચૂકેલા ક્રિપ્ટો એક્સચેન્જ FTXના સ્થાપક સૈમ બેન્કમેન ફ્રાઇડની બહામાસમાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકામાં ફરિયાદકર્તાઓએ આરોપ લગાવ્યા બાદ બહામાસમાં ફ્રાઇડની ધરપકડ કરવામાં આવી છે. ફ્રાઇડને હવે અમેરિકામાં સોંપવામાં આવે એવી શક્યતા છે. મેનહટ્ટનમાં અમેરિકી અટોર્ની ઓફિસના એક પ્રવક્તાએ બેન્કમેન- ફ્રાઇડના ધરપકડની પુષ્ટિ કરી હતી.
FTXની ગેરરીતિઓ સામે આવ્યા બાદ ફ્રાઇડની 16 અબજ ડોલરની વેલ્થ માત્ર કેટલાક દિવસોમાં ઝીરો થઈ ગઈ હતી. સેમ બેન્કમેનની નેટવર્થ એક સમયે 26 અબજ ડોલરે પહોંચી હતી. જોકે નેટવર્થમાં ભારે ઘટાડાને લિક્વિડિટીની અછતને પગલે FTX ટ્રેડિંગ લિ. નાદાર થશે.
શું છે મામલો?
FTX વિશ્વની બીજા ક્રમાંકની સૌથી મોટી એફિલિએટેડ ક્રિપ્ટો ટ્રેડિંગ કંપની હતી. નાણાકીય ગેરરીતિઓને કારણે નાણાકીય ખેંચમાં આવેલી FTX ટ્રેડિંગ લિ.નાદાર થઈ ગઈ છે. સેમ બેન્કમેન-ફ્રાઇડે છૂપી રીતે FTXથી એની ટ્રેડિંગ આર્મ અલ્મેડા રિસર્ચમાં 10 અબજ ડોલરનું ગ્રાહક ફંડ ટ્રાન્સફર કર્યું હતું. અલ્મેડા આ ફંડનો ઉપયોગ ટ્રેડિંગ માટે કરતી હતી, એમ રોઇટર્સનો અહેવાલ કહે છે.
કંપનીને જ્યારે ટ્રેડિંગમાં મોટું નુકસાન થયું તો ક્રિપ્ટો પબ્લિકેશન કોઇનડેસ્કે એક લીક બેલેન્સશીટ પર રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટ બહાર આવતાં FTXમાં અફરાતફરી મચી ગઈ હતી અને કંપનીની પાસે ત્રણ દિવસોમાં અંદાજે છ અબજ ડોલરના ઉપાડની અરજી આવી હતી. કંપનીમાં આ ઉપાડની અરજીથી રોકડખેંચ ઊભી થઈ હતી, કેમ કે કંપની આ ઉપાડની અરજીની પ્રક્રિયાને કરવાની સ્થિતિમાં નહોતી. જે પછી કંપનીએ નાદાર થવાની અરજી નાખી હતી.