પૂરઃ ડર્ના ડેમ તૂટતાં 40,000નાં મોતની આશંકા

ડર્નાઃ આફ્રિકન દેશ લિબિયામાં વાવાઝોડુ ડેનિયલ અને પૂરે ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડા બાદ એક લાખની વસ્તી ધરાવતા ડેર્ના શહેર નજીક બે ડેમ તૂટી ગયા છે. જેને કારણે શહેરનો વિનાશ થયો છે. વળી, બાંધ તૂટવાથી ઘરોમાં પાણી અને કીચડ ભરાઈ ગયાં છે. માટી અને કાટમાળમાંથી મૃતદેહો સતત નીકળી જ રહ્યા છે. અહીં બીમારીઓ ફેલાવાનું જોખમ છે.

ડર્ના શહેર સંપૂર્ણ રીતે ખતમ થઈ ચૂક્યું છે. ચારે બાજુ તૂટેલી ઇમારતો, કીચડ, કારોની ઉપર લદેલી કારો દેખાઈ રહી છે. કીચડમાં પગ મૂકતાં નીચેથી મૃતદેહ  મળી રહ્યો છે. 40,000થી વધુ લોકોના માર્યા જવાની આશંકા છે.

ડર્નામાં યુગોસ્લાવિયાની કંપની દ્વારા 1970માં બે ડેમ બનાવવામાં આવ્યા હતા. પહેલો ડેમ 70 મીટર ઊંચો હતો અને એમાં 1.80 કરોડ ક્યુબિક મીટર પાણી સંગ્રહ થતું હતું. બીજો ડેમ 45 મીટર ઊંચો હતો. ત્યાં 15 લાખ ક્યુબિક મીટર પામી જમા હતું. બંને ડેમમાં આશરે બે કરોડ ટન પાણી હતું.

જોકે હાલમાં ડેનિયલ તોફાને એટલું પાણી ભરી દીધું કે ડેમના નબળા બાંધકામ એને સંભાળી નહીં શક્યું. ડેમ તૂટ્યો અને એની સાથે ડર્ના શહેર ખતમ થયું.

પૂર્વ લિબિયામાં એમ્બ્યુલન્સ અને ઇમર્જન્સી સેનાના ડિરેક્ટર સલામ અલ-ફરગનીએ ઘોષણા કરી હતી કે ઇમર્જન્સી કર્મચારીઓને તેમનું કામ કરવા દેવા શહેરવાસીઓને શહેરમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. માત્ર રાહત અને બચાવ ટીમોને પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવે છે.