નવી દિલ્હીઃ છે ગરીબના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે, એ ન્યાયે શ્રીમંત દેશો કોરોના રોગચાળાની રસીનો માલભરાવો કરીને બેઠા છે, જ્યારે ગરીબ દેશો રસીના એક-એક ડોઝ માટે તરસી રહ્યા છે. કોરોનાની રસી બનવાની સાથે બધા દેશોએ નાગરિકોને જલદીથી રસીકરણ કરવાની લાયમાં શ્રીમંત દેશો અનેક ગણી રસી હડપ કરી લીધી છે, સામે પક્ષે ગરીબ દેશો રસીની ખેંચ અનુભવી રહ્યા છે.
હાલના સમયમાં અમેરિકા, બ્રિટન, ઇઝરાયેલ, ફ્રાંસ અને યુરોપના દેશોની અડધોઅડધ વસતિનું સંપૂર્ણ રીતે રસીકરણ થઈ ચૂક્યું છે, જ્યારે સામે પક્ષે આફ્રિકાના 30થી વધુ દેશોની 10 ટકા વસતિનું પણ માંડ રસીકરણ થઈ શક્યું.
11 નવેમ્બરથી 21 ડિસેમ્બર, 2021 દરમ્યાન યુરોપિયન યુનિયન, યુકે અને અમેરિકાને 51 કરોડ રસીના ડોઝ મળ્યા હતા, જ્યારે આફ્રિકા દેશોને ગયા પૂરા વર્ષમાં પણ માત્ર 50 કરોડ ડોઝ મળ્યા છે. ઓક્સફેમના એક અહેવાલ મુજબ 2021ના અંત સુધીમાં શ્રીમંત દેશોની પાસે ઉપયોગમાં લીધી ઉપરાંત 120 કરોડ સરપ્લસ ડોઝ હતા, જેને દાન કરવાની ઘોષણા નથી કરવામાં આવી. જેથી 80 કરોડ ડોઝ નિષ્ફળ થવાની શક્યતા છે.
2021ના અંત સુધી ડેટા મુજબ શ્રીમંત દેશોએ મળીને રૂ. 274 કરોડ ડોઝ દાન કરવાનું વચન આપ્યું હતું, પણ વચન પૂરું કરવામાં શ્રીમંત દેશો નિષ્ફળ નીવડ્યા હતા. અત્યાર સુધી આ દેશો માત્ર રૂ. 57 કરોડ રસીના ડોઝ પૂરા પાડ્યા છે, જે માત્ર વચનના 21 ટકા છે.