સાઇટ ઠપ માટે ‘ખામીયુક્ત કોન્ફ્રિગ્રેશન ચેન્જ’ જવાબદારઃ ફેસબુક

નવી દિલ્હીઃ સોશિયલ મિડિયાની દિગ્ગજ કંપની ફેસબુક ઇન્ક.એ સોશિયલ મિડિયા સાઇટ આશરે છ કલાક ઠપ થવા બદલ ખામીયુક્ત કોન્ફ્રિગ્રેશન ચેન્જને જવાબદાર ઠેરવ્યું છે, જેને લીધે 3.5 અબજ યુઝર્સ માટે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જર સહિતની સેવામાં બાધિત થઈ હતી. ફેસબુકે એક બ્લોગમાં કહ્યું હતું કે અમે એ સ્પષ્ટ કરવા ઇચ્છીએ છીએ કે આ આઉટેજનું મૂળ કારણ ખામીયુક્ત કોન્ફ્રિગ્રેશન ચેન્જ હતું.

જોકે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ડાઉન થયા પછી એવું લાગી રહ્યું હતું કે એના યુઝર્સ બેચેન બની ગયા હતા, કેમ કે એ કોઈ પણ સોશિયલ મિડિયા સાઇટના ઇતિહાસનું બીજું સૌથી મોટું આઉટેજ હતું. સોશિયલ મિડિયાની આ સાઇટો આશરે છ કલાક ઠપ થવાથી વિશ્વના યુઝર્સ હેરાન-પરેશાન થયા હતા. જોકે ફેસબુકે આ સમસ્યા કેમ ઊભી થઈ, એનો ખુલાસો નહોતો કર્યો.

ફેસબુકના અનેક કર્મચારીઓનું માનવું હતું કે આ આઉટેજ આંતરિક ભૂલને કારણે થયું હતું. તેમણે કહ્યું હતું કે આંતરિક સંદેશવ્યવહારના ટૂલ્સની નિષ્ફળતા અને અન્ય સંસાધનોની ખામીએ મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો. સુરક્ષા નિષ્ણાતોએ કહ્યું હતું કે અજાણતા થયેલી ભૂલ અથવા આંતરિક સૂત્ર દ્વારા કરવામાં આવેલી તોડફોડ સંભવિત કારણ હોવાની શક્યતા છે.

ફેસબુકની સર્વિસમાં સર્જાયેલી ખામીને કારણે ફેસબુકના શેરમાં 4.9 ટકાનો દૈનિક ઘટાડો થયો હતો, જે ગયા નવેમ્બર પછી દૈનિક સૌથી મોટો ઘટાડો હતો. ફેસબુક ચીફ ટેક્નોલોજી અધિકારી માઇક શ્રોફરે ટ્વીટ કર્યું હતું કે દરેક નાના અને મોટા વેપાર-વ્યવસાય, ફેમિલી અને વ્યક્તિગત અને અમારી પર નિર્ભર રહેતા લોકો માટે આ ખામી બદલ કંપની ખેદ અનુભવે છે. અમને અમારી સર્વિસ 100 ટકા કરવામાં થોડોક સમય લાગશે.