બીજિંગમાં અતિવૃષ્ટિ; રસ્તાઓ ફેરવાઈ ગયા નદીઓમાં, બેનાં મરણ

બીજિંગઃ ચીનના આ પાટનગર શહેરમાં હાલ અતિવૃષ્ટિની આફત આવી પડી છે. ગયા શનિવારથી અનરાધાર વરસાદ ચાલુ છે. એને કારણે આજે શહેરના પશ્ચિમી ઉપનગરો જળબંબાકાર થઈ ગયા છે. અસંખ્ય કાર પૂરનાં પાણીમાં તણાઈ ગઈ છે. રસ્તાઓ જાણે નદીઓમાં ફેરવાઈ ગયા છે. આ ભીષણ વરસાદી આફતને કારણે બે જણના જાન ગયા છે જ્યારે સેંકડો લોકો ફસાઈ ગયા છે. રવિવાર રાતથી હજારો લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઈન્ટરનેટ પર ઘૂમી રહેલા વિડિયો અને તસવીરોમાં જોઈ શકાય છે કે બીજિંગ શહેર અડધું પૂરમાં ફસાઈ ગયું છે.

‘ડોકસુરી’ નામક વાવાઝોડાને કારણે બે કરોડ 20 લાખ જેટલા લોકોની વસ્તી ધરાવતા બીજિંગમાં વિક્રમસર્જક વરસાદ ખાબક્યો છે. મેન્ટોગુ વિસ્તારમાં નદીમાંથી બે મૃતદેહ મળી આવ્યા છે. બીજિંગ ઉપરાંત પડોશના તિયાન્જિન શહેર તેમજ હેબાઈ પ્રાંતમાં પણ વંટોળને કારણે ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. હેબાઈ પ્રાંતનું કદ બ્રિટન જેવડું છે.