ન્યુ યોર્ક સિટી – અહીંના મેનહટ્ટન ઉપનગરમાં આવેલા પોર્ટ ઓથોરિટી બસ ટર્મિનલ ખાતે આજે સવારે ધસારાના સમયે વિસ્ફોટ થયો હતો. એને કારણે અનેક જણ ઘાયલ થયા છે. ઘટનાસ્થળેથી લોકોને તાબડતોબ હટાવવામાં આવ્યા હતા. એને પરિણામે નાસભાગની પરિસ્થિતિ સર્જાઈ હતી.
પોલીસે એક શખ્સને અટકમાં લીધો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ધડાકો પાઈપ બોમ્બનો હતો, જે પોર્ટ ઓથોરિટીની નીચે આવેલા પાસવેમાં થયો હતો.
ન્યૂ યોર્ક પોલીસ વિભાગના જણાવ્યા મુજબ, તે આ બનાવમાં તપાસ કરી રહ્યું છે. પોર્ટ ઓથોરિટી બસ ટર્મિનલ મકાનની નીચેથી પસાર થતી A, C અને E સબવે લાઈન્સ પરથી લોકોને હટાવી દેવામાં આવ્યા છે.
કથિત વિસ્ફોટને કારણે 1, 2 અને 3 સબવે લાઈન્સ હચમચી જવા પામી હતી. આ બસ ડેપો વેસ્ટ ફોર્ટીથ અને વેસ્ટ ફોર્ટીસેકન્ડ્થ સ્ટેશનો વચ્ચે તેમજ આઠમા અને નવમા એવેન્યૂની વચ્ચે આવેલો છે.
ડિઝાઈનર ચેલ્સી લસોલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે બોમ્બ વિસ્ફોટના ગભરાટને કારણે પોર્ટ ઓથોરિટી બસ ટર્મિનલમાં નાસભાગ થઈ હતી અને હું એમાં ફસાઈ ગઈ હતી.