ઈસ્લામાબાદ – પાકિસ્તાન સરકારે કહ્યું છે કે આજે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ ઉપરાંત અમુક પ્રકારના કેદીઓની અદલાબદલી દ્વારા છોડી મૂકવા, મેડિકલ વિઝા ઈસ્યૂ કરવા અને ન્યાયિક પંચને બહાલ કરવાના ભારત સરકારના માનવતાવાદી પ્રસ્તાવોને તેણે મંજૂરી આપી દીધી છે.
આ પગલાનો ઉદ્દેશ્ય બંને દેશ વચ્ચેની તંગદિલીને ઘટાડવાનો છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યું છે કે પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસીફે દેશના તમામ રાજકીય પક્ષો સાથે વિચારવિમર્શ કર્યા બાદ બંને દેશની જેલોમાં પૂરવામાં આવેલા સામાન્ય કેદીઓ વિશે ભારત સરકાર તરફથી આવેલા પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે.
પહેલો પ્રસ્તાવ ત્રણ પ્રકારના કેદીઓને છોડી મૂકવાનો (અદલાબદલી કરવાનો) છે. જેમાં મહિલા કેદીઓ, માનસિક રીતે કમજોર થઈ ગયેલા કે જેમની વિશેષ દેખભાળ કરવી પડે એવા કેદીઓ તથા 70 વર્ષથી વધુની વય ધરાવતા કેદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.