રશિયા-યૂક્રેન તંગદિલીમાં વધારો ઘેરી ચિંતાઃ ભારત (UNમાં)

ન્યૂયોર્ક/નવી દિલ્હી: ભારતે સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાની સુરક્ષા પરિષદને જણાવ્યું છે કે રશિયા અને યૂક્રેનની સરહદ પર વધી ગયેલી તંગદિલી ઘેરી ચિંતાનો વિષય છે અને ત્યાં બની રહેલી ઘટનાઓએ તે વિસ્તારની શાંતિ અને સલામતી પર જોખમ ઊભું કર્યું છે. આ તંગદિલીમાં સામેલ તમામ પક્ષોને સંયમ રાખવાની ભારતે વિનંતી પણ કરી છે.

સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા ખાતેના ભારતીય રાજદૂત અને ભારતના કાયમી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ ગઈ કાલે રાતે યૂક્રેનમાંની પરિસ્થિતિ અંગે બોલાવવામાં આવેલી તાકીદની યૂએન સુરક્ષા પરિષદની બેઠકમાં જણાવ્યું હતું કે, યૂક્રેન સંબંધિત તેમજ યૂક્રેનની પૂર્વીય સરહદ પર બની રહેલી ઘટનાઓ, તે સંબંધિત રશિયન ફેડરેશને કરેલી જાહેરાત પર અમારી બારીકાઈથી દેખરેખ છે. તે વિસ્તારમાં તેમજ આસપાસમાં લાંબા ગાળા સુધી શાંતિ અને સલામતી જળવાય એ માટે પ્રયત્નશીલ તમામ દેશોના કાયદેસર સુરક્ષા હિતોને ધ્યાનમાં લઈને રશિયા-યૂક્રેન સરહદે ઊભી થયેલી તંગદિલીને હળવી કરવી એ તાત્કાલિક પ્રાધાન્યની બાબત છે.

(તસવીર સૌજન્યઃ @ambtstirumurti)