ડોનેટસ્ક અને લુહાન્સ્કની સ્વતંત્રતાથી UNના વડા ચિંતિત

નવી દિલ્હીઃ યુક્રેનના ડોનેત્સ્ક અને લુહાંસ્ક ક્ષેત્રોની સ્વતંત્રતાને માન્યતા આપવા માટે રશિયાના નિર્ણય વિશે સોમવારે સંયુક્ત રાષ્ટ્રના મહા સચિવ એન્ટોનિયો ગુતારેસએ ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. સમાચાર એજન્સી જિન્હુઆના રિપોર્ટ અનુસાર સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખના પ્રવક્તા સ્ટીફન દુજારિકે સોમવારે કહ્યું હતું કે મહા સચિવ યુક્રેનના ડોનેત્સ્ક અને લુહાંસ્કના કેટલાક વિસ્તારોની સ્થિતિ સંબંધિત રશિયાના નિર્ણયથી બહુ ચિંતિત છે. દુજારિકના નિવેદનના માધ્યમથી સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે મિન્સ્ક સમજૂતી અનુસાર પૂર્વીય યુક્રેનમાં શાંતિપૂર્ણ સમાધાનનું આહવાન કર્યું હતું અને સિક્યોરિટી કાઉન્સિલ દ્વારા 2015માં લેવામાં આવેલા સંકલ્પને યાદ દેવડાવ્યો હતો. જોકે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ડોનેટસ્ક અને લુહાન્સ્કની સ્વતંત્રતાને માન્યતા આપતા આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા, જે પછી યુક્રેન અને રશિયાની વચ્ચે ટેન્શનમાં વધારો થયો છે.  

તેમણે કહ્યું હતું કે મોસ્કોનો નિર્ણય યુક્રેનની ક્ષેત્રીય અખંડિતતા અને સંપ્રભુતાનું ઉલ્લંઘન છે તથા સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. સંયુક્ત રાષ્ટ્ર યુક્રેનની સંપ્રભુતા, સ્વતંત્રતાને સંપૂર્ણપણે ટેકો આપે છે.  દુજારિકે સંવાદદાતાઓને સંબોધતાં કહ્યું હતું કે મહા સચિવ સીઝફાયરના ઉલ્લંઘનના અહેવાલોથી અને ભારે હથિયારોના વપરાશથી ચિંતિત છે.

અમે દુશ્મનાવટ ખતમ કરવા, સંયમ રાખવા અને કોઈ પણ કાર્યવાહી કરવાથી દૂર રહેવા અને ભડકાઉ નિવેદનો નહીં કરવા માટે આહવાન કરીએ છીએ. બધા મુદ્દાઓને કૂટ નીતિના માધ્યમથી ઉકેલવા માટે ભાર મૂકીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.