સેન ફ્રાન્સિસ્કોઃ ‘કાં તો કંપનીએ કામકાજ વિશે ઘડેલી નવી ‘હાર્ડકોર’ નીતિને અપનાવો અથવા નોકરી છોડી જાવ’ એવા નવા માલિક અને સીઈઓ ઈલોન મસ્કે આપેલા અલ્ટીમેટમથી ટ્વિટરના કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે. નવી નીતિમાં એવું જણાવાયું છે કે કર્મચારીઓએ ‘અત્યંત કઠોર રીતે’ કંપનીનું કામ કરવું પડશે , નહીં તો નોકરી છોડી દેવી. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ઘણા કર્મચારીઓએ એવી લેખિત ખાતરી આપવાની ના પાડી દીધી છે. ઘણા કર્મચારીઓ નોકરી છોડીને જવા લાગ્યા છે. આને કારણે કંપનીની ઘણી કામગીરીઓ ખોરવાઈ જવાની સંભાવના ઊભી થઈ છે. કંપનીએ તેની બધી ઓફિસો આવતા સોમવાર સુધી બંધ રાખી છે. કર્મચારીઓને એક સૂચના આપવામાં આવી છે કે એમણે સોશ્યલ મીડિયા પર, પ્રચારમાધ્યમો સાથે કે અન્યત્ર કંપનીને લગતી ખાનગી માહિતી વિશે ચર્ચા કરવી નહીં.
ઉલ્લેખનીય છે કે મસ્કે ટ્વિટરને ખરીદી લીધા બાદ કંપનીનો અડધોઅડધ સ્ટાફ ઘટાડી દીધો છે. આશરે 3,700 કર્મચારીઓમાંથી અડધાને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. કર્મચારીઓ એમનાં ઘેરથી કંપનીનું કામ કરે એની સામે પણ મસ્કે વાંધો ઉઠાવ્યો છે. મસ્કે કંપનીના વિવિધ વિભાગોના મેનેજરોને એક બીજો ઈમેલ પણ કર્યો છે જેમાં જણાવ્યું છે કે કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની છૂટ એમનાં પોતાનાં જોખમે આપજો.