પાકિસ્તાન, નેપાળનાં અર્થતંત્રો શ્રીલંકાને રસ્તેઃ મોંઘવારી ચરમસીમાએ

નવી દિલ્હીઃ શ્રીલંકાનું અર્થતંત્ર ખોટી નીતિઓને કારણે ખોરવાઈ ગયું છે. શ્રીલંકાનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ ખાલી થઈ ચૂક્યું છે. સરકારની પાસે ચીજવસ્તુઓ આયાત કરીને દેવાંના વ્યાજ ચૂકવવા માટે નાણાં નથી. જોકે ભારતના અન્ય બે પડોશી દેશો પાકિસ્તાન અને નેપાળ પણ શ્રીલંકાના રસ્તે છે.

શ્રીલંકાની જેમ પાકિસ્તાનમાં પણ મોંઘવારીએ માઝા મૂકી છે. અહીંનો મોંઘવારીનો દર 21 ટકાથી વધુ છે. પાકિસ્તાનની બાગડોર હાલમાં શહબાઝ શરીફના હાથમાં છે. તેઓ પણ મોંઘવારીને કાબૂમાં કરવા માટે નિષ્ફળ ગયા છે. પાકિસ્તાનમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતો આસમાન પર છે. ગરીબ લોકોનું જીવવું દુષ્કર થઈ ગયું છે. પાકિસ્તાનમાં વીજસંકટ ચરમ સીમાએ છે.

શ્રીલંકાની જેમ પાકિસ્તાનનો ફોરેન કરન્સી રિઝર્વ સતત ઘટી રહ્યું છે. પાકિસ્તાન પાસે માત્ર છ સપ્તાહ ચાલે  એટલું રિઝર્વ છે. પાકિસ્તાનને દેવાં ચૂકવવા માટે અને પર્યાપ્ત વિદેશી કરન્સી રિઝર્વ માટે એક વર્ષમાં 4100 કરોડ ડોલરની જરૂર છે. IMF પાકિસ્તાનને દેવાં આપવા આકરી શરતો મૂકી રહી છે. પાકિસ્તાને પેટ્રોલિયમ ઉત્પાદનો પરની સબસિડી બંધ કરી દીધી છે. બિનજરૂરી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેથી મોંઘવારી વધી ગઈ છે. પાકિસ્તાનનો રૂપિયો ડોલરના મુકાબલે 225 રૂપિયા સીધી ગગડ્યો છે.

નેપાળના અર્થતંત્રની પણ ખસ્તા હાલત છે. નેપાળની બેન્કોની પાસે રોકડ નથી. અહીંની બેન્કો FD પર 13 ટકા સુધીનો વ્યાજદર ઓફર કરી રહી છે. નેપાળ પાસે માત્ર સાડાસાત મહિનાનું વિદેશી કરન્સી રિઝર્વ વધ્યું છે. પર્યટનમાં મંદી આવવાને કારણે અર્થતંત્ર મંદીમય થયું છે.