કેલિફોર્નિયામાં 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ઘણી જગ્યાએ લાગી આગ…

નવી દિલ્હીઃ અમેરિકાના કેલિફોર્નિયામાં 7.1ની તીવ્રતાના ભૂકંપથી ભય વ્યાપી ગયો મચી ગયો છે. છેલ્લાં 20 વર્ષમાં ત્યાં આવો શક્તિશાળી ભૂકંપ નથી આવ્યો. છેલ્લાં 48 કલાક દરમિયાન અહીંયા આ બીજો ભૂકંપ આવ્યો છે. આ પહેલાં કેલિફોર્નિયામાં ગુરુવારના રોજ 6.4 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયાં હતાં.

આ ભૂકંપમાં ધરતીમાંથી ભારે ઊર્જા બહાર નીકળી હતી. શુક્રવારે આવેલા ભૂકંપમાં ગુરુવારના 6.4ના ભૂકંપ કરતાં 11 ગણી ઊર્જા ધરતીમાંથી બહાર નીકળી હતી. અધિકારીઓએ ભૂકંપના વધુ ઝટકા આવવાની સંભાવના વ્યક્ત કરી છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવીન ન્યૂસમે જણાવ્યું કે, તેમણે રાજ્યના ઈમરજન્સી વિભાગને કોઈ પણ કટોકટીને પહોંચી વળવા માટે તૈયાર રહેવાના આદેશ આપ્યાં છે.

શુક્રવારે આવેલા 7.1ની તીવ્રતાના ભૂકંપ પછી કેટલાક મકાનમાં અચાનક આગ ફાટી નિકળી હતી. બેકર્સફિલ્ડ કાઉન્ટીની રહેવાશી ગિવાના ગેમેઝે જણાવ્યું કે, તે ઘરમાં હતી ત્યારે અચાનક જ તેના સ્વિમિંગ પુલનું પાણી છલકાવા લાગ્યું હતું. આથી તેઓ ઘરની બહાર દોડી ગયાં હતાં. લગભગ એક મિનિટ સુધી ધરતી ધ્રૂજતી રહી હતી. આ ભૂકંપના કારણે હાઈવે ઉપર ખડકો ધસી આવી હતી. કેટલાક હાઈવે પર મોટી તિરાડો પણ પડી ગઈ હતી.

ફાયર વિભાગે જણાવ્યું કે, તેમને એસબી કાઉન્ટીમાંથી રાહત-બચાવ માટે 911 જેટલા કોલ આવ્યાં હતાં. જોકે, કેટલીક જગ્યાએ ઘરોમાં નુકસાન થયું છે, તિરાડો પડી ગઈ છે, ફુવ્વારા તૂટી ગયા છે તો ક્યાંક છત છૂટી પડી ગઈ છે. જોકે, સદનસીબે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક તંત્ર દ્વારા 2000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. યુરોપિયન-ભૂમધ્ય વિસ્તારના સિસ્મોલોજિકલ સેન્ટરે દાવો કર્યો કે, લગભગ 2 કરોડથી વધુ લોકોએ ભૂકંપનો અનુભવ કર્યો હતો.