વોશિંગ્ટન – અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે રાતે કેપિટોલ હિલ ખાતે યૂએસ સંસદ (કોંગ્રેસ)ના સંયુક્ત સત્રમાં કરેલા સંબોધન (સ્ટેટ ઓફ ધ યૂનિયન એડ્રેસ)માં કેટલીક મહત્વની જાહેરાતો કરી છે. એમણે જણાવ્યું કે મેરિટ-બેઝ્ડ પ્રવેશ (ઈમિગ્રેશન) પદ્ધતિ જ ‘અમેરિકા ફર્સ્ટ’ના આપણા નારા માટે યથાર્થ છે.
આમ કહીને ટ્રમ્પે વિઝા લોટરી સિસ્ટમનો અંત લાવવાનું પણ એલાન કર્યું હતું.
દુનિયાભરમાંથી અમેરિકામાં વસવા માટે આવી રહેલા લોકોના પ્રવાહને ‘ચેઈન્ડ માઈગ્રેશન’ તરીકે ઓળખાવીને ટ્રમ્પે એની વિરુદ્ધ જોરદાર રજૂઆત કરી હતી.
એમણે કહ્યું કે આપણા દેશમાં હવે સમય આવી ગયો છે કે આપણે ગ્રીન કાર્ડ મંજૂર કરવા માટે મેરિટ-આધારિત પ્રવેશ પદ્ધતિને અપનાવીએ. એનો મતલબ કે જે લોકોમાં કૌશલ્ય હોય, જે લોકો આપણા અમેરિકન સમાજ માટે મદદરૂપ થવા પોતાનું યોગદાન આપી શકે, જે લોકો આપણા દેશને પ્રેમ કરે, એનો આદર કરે એમને જ આપણા દેશમાં પ્રવેશ આપવો.
ટ્રમ્પે ત્રાસવાદનો મુદ્દો ઉપાડીને કહ્યું કે, આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ISISનો ખાત્મો ન થાય ત્યાં સુધી અમે એની સામે લડવાનું ચાલુ રાખીશું.
ટ્રમ્પે વધુમાં કહ્યું કે, ઉત્તર કોરિયામાં પોતાના જ લોકો પર જેટલો અત્યાચાર કરવામાં આવ્યો છે એટલો અત્યાચાર દુનિયામાં આજ સુધી બીજા કોઈ દેશના શાસને કર્યો નથી.