ટ્રમ્પની ટિપ્પણી પર ભડક્યું તાલિબાન, વધુ હિંસક કાર્યવાહીની આપી ધમકી

વોશિંગ્ટન- અમેરિકા દ્વારા વિદ્રોહિઓ સાથે ચર્ચા કરવાનો ઈનકાર કરાયા બાદ તાલિબાની આતંકીઓએ અમેરિકાને વધુ હિંસક કાર્યવાહી અને વધુ આતંકી હુમલા કરવાની ધમકી આપી છે. મળતી માહિતી મુજબ તાલિબાની આતંકીઓએ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, અમેરિકાના પ્રેસિડેન્ટ અને તેના સહયોગીઓ યુદ્ધનું સમર્થન કરી રહ્યાં છે. વધુમાં જણાવ્યું કે, ટ્રમ્પ અને તેના યુદ્ધ સમર્થક સહયોગીઓએ સમજવું જોઈએ કે, દરેક ક્રિયાની એક પ્રતિક્રિયા પણ હોય છે. જો તમે યુદ્ધની તરફેણ કરશો તો અમે પણ ચર્ચા માટે નિમંત્રણનો સ્વીકાર નહીં કરીએ.તાલિબાની પ્રમુખ મુલ્લાહ હૈબતુલ્લાએ કહ્યું કે, ‘અમારા વિરોધીઓ ફક્ત યુદ્ધ પર ભાર મુકી રહ્યાં છે. પરંતુ અમે માનીએ છીએ કે, અમારા રાષ્ટ્રને પરાજીત કરી શકાશે નહીં. અમારા વિરોધીઓએ ચર્ચા માટે વચ્ચેનો માર્ગ શોધવો જ પડશે. હૈબતુલ્લાએ કહ્યું કે, આક્રમણકારીઓને પરાજીત કરવાનો અફઘાનિસ્તાનનો ઈતિહાસ રહ્યો છે. જેથી અમારી સાથે યુદ્ધ કરીને ટ્રમ્પને માત્ર નુકસાન સહન કરવાનો વારો આવશે.

આપને જણાવી દઈએ કે, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘તાલિબાની આતંકીઓ નિર્દોષ લોકોને મારી રહ્યાં છે. અને તાલિબાનોએ અફઘાનિસ્તાનને યુદ્ધનું મેદાન બનાવ્યું છે’. જેથી તાલિબાનીઓ સાથે કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં. અમેરિકાને જે કામ કરવાનું છે તે અમે પુરુ કરીશું.

તાલિબાની આતંકીઓએ ગત 21 અને 22 જાન્યુઆરીના રોજ કાબુલની ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 20થી વધુ લોકોના મોત થયા હતાં. જેમાં 14 વિદેશી નાગરિક પણ સામેલ હતાં. આ ઉપરાંત તાલિબાની આતંકીઓએ એક એમ્બ્યુલન્સમાં પણ વિસ્ફોટ કર્યો હતો. આ ઘટનામાં 103 લોકોના મોત થયાં હતાં અને 230થી વધુ ઘાયલ થયાં હતા.