વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે જણાવ્યું છે કે હિમાલય પર્વતમાળા પર આવેલી સરહદ પર ભારત અને ચીન વચ્ચે થયેલા વિવાદમાં મધ્યસ્થી કરવાની પોતે તૈયારી બતાવી છે.
અત્યંત ઊંચાઈ પર આવેલા આ સ્થળે સીમા મર્યાદાનું ઉલ્લંઘન કરવાનો ભારત અને ચીને એકબીજા પર આક્ષેપ કર્યો છે અને એ સ્થળે બંને દેશના સૈનિકોએ પડાવ નાખ્યો છે.
ટ્રમ્પે એક ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું છે કે, અમે ભારત અને ચીન, બંનેને જાણ કરી દીધી છે કે એમના હાલ ઊભા થયેલા સીમા વિવાદને ઉકેલવામાં અમેરિકા મધ્યસ્થી કરવા કે લવાદની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
સીમા વિસ્તારમાં ભારત દ્વારા રસ્તાઓ અને હવાઈપટ્ટીઓ બાંધવાનું શરૂ કરાતા બંને દેશ વચ્ચે વિવાદ થયો છે.
એ વિસ્તારમાં ચીનના લશ્કરની અનેક ટ્રકો ફરતી જોવા મળી હતી. પરિણામે બંને દેશ વચ્ચે લશ્કરી તંગદિલી ઊભી થવાની ચિંતા સર્જાઈ હતી.
અમેરિકાની શાસક રીપબ્લિકન પાર્ટીના પ્રમુખ ટ્રમ્પે ગયા જાન્યુઆરીમાં ભારત અને પાકિસ્તાનને એમની વચ્ચે દાયકાઓ જૂના કશ્મીર વિવાદને ઉકેલવા માટે મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી.