વોશિંગ્ટન- ગત કેટલાક સમયથી એક બીજા પર શાબ્દિક હથિયારોનો ઉપયોગ કરી રહેલા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના તાનાશાહ નેતા કિમ જોંગ ઉન વચ્ચે મિત્રતા થાય તેવા સમાચાર મળી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગ ઉનના મુલાકાતના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. વિશ્વના બે શક્તિશાળી નેતા આગામી મે મહિનામાં મુલાકાત કરી શકે છે.હાલમાં બન્ને નેતાઓ તરફથી ચર્ચા કરવાની વાત પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આ ઐતિહાસિક મુલાકાત કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે, અગાઉ બન્ને નેતાઓ તરફથી એક બીજા માટે અનેક પ્રકારની ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ ઘટનાઓ પણ ચર્ચામાં રહી હતી. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કિંમ જોંગ ઉનને રોકેટ મેન કહ્યાં હતાં. તો કિમ જોંગ ઉને પણ ટ્રમ્પને સનકી કહ્યાં હતાં.
ટ્રમ્પને આ નિમંત્રણની જાણકારી દક્ષિણ કોરિયાના ડેલિગેશને આપી હતી. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે આ મુલાકાતની જાણકારી જાપાનના પીએમ શિન્ઝો એબેને પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, પરમાણું મિસાઈલોનું સતત પરીક્ષણ કરી રહેલા અને અમેરિકાને યુદ્ધની ધમકીઓ આપી રહેલાં કિમ જોંગે એ વાતની પણ તૈયારી દર્શાવી છે કે, તે પરમાણુ હથિયારોનું પરીક્ષણ બંધ કરશે.
જોકે હજીસુધી એ નક્કી નથી થયું કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે મુલાકાત ક્યાં થશે. પરંતુ એટલી માહિતી મળી છે કે, બન્ને નેતાઓ વચ્ચે આગામી મે મહિનાના અંત સુધીમાં મુલાકાત યોજાઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું કે, કિમ જોંગે મિસાઈલ ટેસ્ટ રોકવાની વાત કરી છે. પરંતુ હાલમાં અમિરેકા દ્વારા નોર્થ કોરિયા પર મુકવામાં આવેલા પ્રતિબંધ યથાવત રહેશે.